Ahmedabad News: શું એમ્બ્યુલન્સને ટ્રાફિકના નિયમો ન નડે? શું તે કાયદાથી ઉપર છે?

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટેના નિયમો જો કોઈ સામાન્ય વાહનચાલક ભંગ કરે તો ફરજ પરના ટ્રાફિક પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. વીડિયોમાં દેખાય છે તેમ અંધજનમંડળ ચાર રસ્તા પાસે એક એમ્બ્યુલન્સ ચાર રસ્તા પર ઝિબ્રા ક્રોસિંગના પટ્ટાની બરાબર ઉપર ઊભી છે. અર્થાત તેણે નિયમનો ભંગ કર્યો છે. કેમ કે જે રસ્તો રાહદારીઓ માટે ચાલવાનો છે તેના ઉપર એમ્બ્યુલન્સ ઊભી છે. પરંતુ ટ્રાફિક નિયમના ભંગ બદલ તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
ટ્રાફિક નિયમના ધજાગરા
વીડિયોમાં જોઈ શકાય છે કે, ખાસ્સી વાર સુધી કોઈ ટ્રાફિક પોલીસ આવતો નથી કે એમ્બ્યુલન્સનો કોઈ મેમો ફાડવામાં આવતો નથી. જાણે કે કોઈ બોલનાર નથી, કોઈ ટોકનાર નથી અને ટ્રાફિક નિયમ મારા ખિસ્સામાં એવા અભિમાન સાથે એમ્બ્યુલન્સ ઊભી છે. તેની જગ્યાએ જો કોઈ લક્ઝુરિયસ કારવાળો આ રીતે ઝિબ્રા ક્રોસિંગના સફેદ પટ્ટા પર ઊભો રહ્યો હોત તો તરત જ ટ્રાફિક પોલીસવાળો ત્યાં પહોંચી ગયો હોત અને ટ્રાફિકના નિયમો સમજાવીને પોતે સમજવાનો પ્રયાસ કરી રહ્યો હોત.
એમ્બ્યુલન્સને નિયમો ન નડે?
આવા બેવડા ધારાધોરણોને કારણે સામાન્ય વાહનચાલકના મનમાં એવા સવાલો થવા સ્વાભાવિક છે કે એમ્બ્યુલન્સને નિયમો ન નડે. આ ઉપરાંત આ વીડિયોમાં દેખાય છે તે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નથી કેમ કે જો દર્દી હોત તો સાયરન વગાડીને રોંગ સાઈડમાંથી નીકળી ગઈ હોત. પરંતુ એવી કોઈ ઈમરજન્સી ન હોવા છતાં તે ટ્રાફિકના નિયમોનું પાલન કરતી નથી. શું તેની સામે પગલાં ભરાશે?