ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીત્યો. જોકે ફાઇનલમાં ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનો ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ પર બોલ મારવો મોંઘો સાબિત થયો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ મામલે કડક કાર્યવાહી કરી અને અર્શદીપ પર ભારે દંડ ફટકાર્યો. ICC એ તેને ICC આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો અને તેને કડક સજા ફટકારી.
શું છે આખો મામલો?
ફાઇનલમાં ન્યુઝીલેન્ડની ઇનિંગની 11મી ઓવર દરમિયાન અર્શદીપ સિંહ અને ડેરિલ મિશેલ વચ્ચે ઝઘડો થયો હતો. ડેરિલ મિશેલે અર્શદીપની બોલિંગ પર બે છગ્ગા ફટકર્યા હતા. ઓવરના પાંચમા બોલ પર મિશેલે ફોરવર્ડ શોટ રમ્યો અને બોલ અર્શદીપ પાસે પડ્યો. ફોલો-થ્રુમાં અર્શદીપે બોલ વિકેટ તરફ ફેંકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મિશેલની જાંઘમાં વાગ્યો.
અમ્પાયરે આપી ચેતવણી
બોલ મિશેલની જાંઘમાં વાગ્યો અને તે ગુસ્સે થયો, તેણે આક્રમક રીતે અર્શદીપ તરફ હાથ વડે ઈશારો કરવાનું શરૂ કર્યું. અમ્પાયર અને સૂર્યકુમાર યાદવે પરિસ્થિતિ શાંત કરવા માટે દરમિયાનગીરી કરી. અમ્પાયરે અર્શદીપ સાથે પણ વાત કરી અને ચેતવણી આપી. આના કારણે મેદાન પર થોડી દલીલ થઈ. જોકે ઓવર પૂરી થયા પછી અર્શદીપે મિશેલની માફી માંગી.
ICCએ અર્શદીપ સિંહને ફટકાર્યો ભારે દંડ
આ ઘટના પર ICCએ હવે કાર્યવાહી કરી છે અને અર્શદીપ સિંહને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે. તેને ICC આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો છે. ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે ICC આચાર સંહિતાના કલમ 2.9ના ઉલ્લંઘન બદલ અર્શદીપને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી પર તેની તરફ અથવા અયોગ્ય રીતે બોલ અથવા કોઈપણ ક્રિકેટિંગ વસ્તુ ફેંકવા સાથે સંબંધિત છે.


Leave a Comment