શિયાળાની ઋતુમાં હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. ખાસ કરીને ગઠિયા, સાંધાની જડતા અને દુખાવાથી પીડાતા લોકોને ઠંડીમાં વધુ તકલીફ થાય છે. ઠંડીના કારણે સાંધાઓની આસપાસ રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે, જેના કારણે દુખાવો અને સોજો વધે છે.
આવા સમયે પાઈન નટ્સ (Pine Nuts) એક કુદરતી અને અસરકારક ઉપાય બની શકે છે. આયુર્વેદ અનુસાર પાઈન નટ્સ શક્તિ વધારનાર ડ્રાયફ્રૂટ છે. તેમાં પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન E, K અને B-કોમ્પ્લેક્સ સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝીંક જેવા મહત્વપૂર્ણ ખનિજો મળી રહે છે.
પાઈન નટ્સમાં રહેલું મેગ્નેશિયમ અને વિટામિન K હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. સાથે જ તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે. શિયાળામાં પાઈન નટ્સનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે, થાક ઓછો થાય છે અને ઊર્જા વધે છે.
ત્વચા અને વાળ માટે પણ પાઈન નટ્સ ખૂબ લાભદાયી છે. તેમાં રહેલું વિટામિન E ત્વચાને સ્વસ્થ રાખે છે અને વાળને મજબૂતી આપે છે.
પાઈન નટ્સ ખાવાની સાચી રીત
રાતોરાત પલાળીને: 4-5 પાઈન નટ્સ રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે ખાલી પેટે ખાઓ
દૂધ સાથે: હૂંફાળા દૂધમાં 2-3 પાઈન નટ્સ ઉમેરીને પીવો
પાવડર બનાવીને: પાઈન નટ્સ પીસીને અડધી ચમચી મધ સાથે લો
કેટલી માત્રા યોગ્ય?
દિવસમાં 4 થી 6 પાઈન નટ્સ પૂરતા છે. વધુ માત્રામાં સેવન કરવાથી ગરમીની તકલીફ થઈ શકે છે.


Leave a Comment