દેશમાં એલપીજી સિલિન્ડરની ભારે અછત ઉભી થઈ છે, જેના કારણે હૉસ્પિટાલિટી સેક્ટર અને ઉદ્યોગોમાં ચિંતા વધી રહી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક એકમો અસરગ્રસ્ત થયા છે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અચાનક અછતથી સમગ્ર હૉસ્પિટાલિટી સેક્ટરમાં ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રેસ્ટોરન્ટ એસોસિએશને ચેતવણી આપી છે કે, જો સપ્લાય વહેલી તકે સામાન્ય નહીં થાય તો થોડા જ દિવસોમાં ખાણીપીણીની દુકાનો બંધ કરવી પડી શકે છે. બેંગલોરમાં તો આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે.
આ અવરોધને કારણે મુંબઈ અને બેંગલોરમાં કામકાજ પર અસર થવા લાગી છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ પછી ચાલુ થયેલા મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાયમાં ખલેલ પડી છે અને તેની વચ્ચે હોટેલ અને રેસ્ટોરન્ટને રસોઈ માટેનો ગેસ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
કેન્દ્ર સરકારનો આદેશ
કેન્દ્રિય મંત્રાલયે એલપીજી કંપનીઓને સૂચના આપી છે કે હાલ માટે 19, 47.5 અને 425 કિલોગ્રામના વ્યાવસાયિક સિલિન્ડરોની રિફિલિંગ બંધ રાખવામાં આવે. ઘરેલુ એલપીજીની સપ્લાયને પ્રાથમિકતા આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
પુનેમાં સ્મશાન ઘાટ બંધ
ન્યૂઝ એજન્સીની માહિતી મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે પ્રોપેન અને બ્યુટેન જેવા એલપીજીના ઘટકોના ઉપયોગ પર મર્યાદા મૂકાતા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ગેસ આધારિત સ્મશાન ઘાટને થોડા સમય માટે બંધ કરી દીધા છે. બીજી તરફ રેસ્ટોરન્ટ માલિકોનું કહેવું છે કે રવિવારથી કોમર્શિયલ એલપીજીની સપ્લાય લગભગ બંધ જેવી થઈ ગઈ છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરની ડિલિવરીમાં પણ બુકિંગ કર્યા પછી 2થી 8 દિવસ સુધી મોડું થઈ રહ્યું છે.
નિયમો વધુ કડક બનાવાયા
હાલના સ્ટોકને વધારે સમય સુધી ચલાવવા માટે તેલ કંપનીઓએ રિફિલિંગના નિયમો કડક કરી દીધા છે. હવે ગ્રાહકો અગાઉની ડિલિવરી પછી 21થી 25 દિવસ પછી જ નવો ઘરેલુ સિલિન્ડર બુક કરી શકશે. ડિલિવરી એજન્ટોએ જમાખોરી અને અન્ય જગ્યાએ ગેરકાયદેસર મોકલવાનું રોકવા માટે OTP અથવા બાયોમેટ્રિક ચકાસણી પણ શરૂ કરી છે. આ વચ્ચે કોમર્શિયલ સપ્લાય પર સૌથી વધુ અસર પડી રહી છે.


Leave a Comment