નેટફ્લિક્સ પર રિલીઝ થનારી મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘુસખોર પંડત’ છેલ્લા કેટલાક સમયથી કાનૂની અને સામાજિક વિવાદોના કેન્દ્રમાં રહી છે. ફિલ્મના ટાઇટલ અને કન્ટેન્ટ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ થયા બાદ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે કોર્ટને જાણ કરી છે કે તેઓ ફિલ્મનું નામ બદલવા માટે તૈયાર છે.
સુનાવણી દરમિયાન નેટફ્લિક્સના વકીલે જણાવ્યું કે વિવાદિત ટાઇટલ બદલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પરથી જૂની પ્રમોશનલ સામગ્રી તથા પોસ્ટર્સ પણ હટાવી લેવામાં આવ્યા છે. આ હકારાત્મક પગલાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી.
આ વિવાદનું મુખ્ય કારણ ફિલ્મનું ટાઇટલ હતું, જેમાં “પંડત” જેવા સન્માનજનક શબ્દ સાથે “ઘુસખોર” શબ્દ જોડાતા બ્રાહ્મણ સમુદાયના કેટલાક લોકોમાં રોષ ફેલાયો હતો. અરજદારે દાવો કર્યો હતો કે આવા શીર્ષકથી સમુદાયની છબીને ઠેસ પહોંચી શકે છે અને નકારાત્મક સંદેશ જઈ શકે છે.
મામલો માત્ર કોર્ટ સુધી મર્યાદિત રહ્યો નહોતો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયને નોટિસ પાઠવી હતી, જ્યારે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) એ ટાઇટલ રજિસ્ટ્રેશન સંબંધિત નિયમો અંગે નિર્માતા નીરજ પાંડેને નોટિસ મોકલી હતી.
ફિલ્મની વાત કરીએ તો મનોજ બાજપેયી તેમાં ‘અજય દીક્ષિત’ નામના ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, જેને તેની લાંચ લેવાની ટેવને કારણે “પંડત” તરીકે ઓળખવામાં આવે છે. એક જ રાતમાં બનતી રોમાંચક ઘટનાઓ પર આધારિત આ ફિલ્મમાં નુસરત ભરૂચા અને સાકિબ સલીમ પણ મહત્વના પાત્રોમાં જોવા મળશે. હવે દર્શકોને આ ફિલ્મ નવા ટાઇટલ સાથે OTT પર જોવા મળશે.


Leave a Comment