સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ધમકી મળતા જ પોલીસ દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. ઉમરા પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ નિષ્ક્રિયકરણ દળે સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. ઓફિસમાં કામ માટે આવેલા અરજદારોમાં ડર ફેલાયો હતો, જોકે અધિકારીઓએ પરિસ્થિતિ કાબૂમાં લઈ નિયમિત તપાસ શરૂ રાખી હતી.
વલસાડ અને નવસારી જિલ્લામાં પોસ્ટ ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી
વલસાડ અને નવસારી જિલ્લામાં આવેલી પોસ્ટ ઓફિસોને પણ સમાન પ્રકારની ઈ-મેઈલથી ધમકી મળી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ બંને સ્થળોએ ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચકાસણી કરી હતી.
ભાવનગર હેડ પોસ્ટ ઓફિસનો ખૂણેખૂણો તપાસવામાં આવ્યો
ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના વિભાગીય અધિકારીને મળેલા ધમકીભર્યા ઈ-મેઈલ બાદ સ્થાનિક પોલીસ સક્રિય બની ગઈ હતી. પરિસરનો ખૂણેખૂણો તપાસવામાં આવ્યો હતો. તેવી જ રીતે અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ સાવચેતીના પગલાંરૂપે કર્મચારીઓ અને મુલાકાતીઓને બહાર કાઢીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
જામનગરમાં પણ પોસ્ટ ઓફિસને મળી ધમકી
જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને મળેલી ધમકી બાદ એલસીબી, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ સંયુક્ત કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી. સમગ્ર ઇમારતને ખાલી કરાવી ઝીણવટથી તપાસ કરવામાં આવી, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
હિંમતનગર અને રાજપીપળાની સરકારી ઓફિસોને ધમકી મળતા તપાસ શરૂ
હિંમતનગર ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસને પણ ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા બી ડિવિઝન પોલીસ, એસઓજી અને ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યા હતા. આસપાસના વિસ્તારમાં કોર્ડન ગોઠવી તપાસ હાથ ધરાઈ હતી. આ જ પ્રકારની પરિસ્થિતિ રાજપીપળામાં પણ સર્જાઈ હતી. અહીં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ સાથે જ આવેલી હોવાથી બંને કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી દેવાઈ હતી. સુરક્ષા દળોએ સમગ્ર પરિસરમાં સઘન ચકાસણી હાથ ધરી હતી.


Leave a Comment