મહેસાણામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં હાલાકી

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના ઉમિયા માતા ચોક, ગાંધી ચોક અને સરદાર ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
અચાનક પડેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે, કારણ કે તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે. ઐઠોર ચોકડી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. એક તરફ વહેલી સવારે ઠંડીની અસર અને બીજી તરફ વરસાદના ઝાપટાંથી સ્થાનિકો માટે આજનો દિવસ મુશ્કેલીભર્યો રહ્યો છે.
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતાં હાલાકી
ઊંઝા અને તેની આસપાસના ગામોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતાં લોકોને ઘેરથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, પાલિકાની ડ્રેનેજ વ્યવસ્થા પૂરતી ન હોવાથી વરસાદી પાણી ઝડપથી નીકળી શકતું નથી.
ખેડૂતો જણાવે છે કે, પાક કાપવા માટે તૈયાર હતો ત્યારે વરસાદ વરસી ગયો, જેના કારણે ડાંગર અને ઘઉં જેવા પાકમાં પાણી ભરાઈ જતા નુકસાન થયું છે. વરસાદ પછી કેટલાક વિસ્તારોમાં કાદવ અને પાણીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે.
- હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



