પાલનપુરમાં ધમકીભર્યો ઈમેલ મળતાં જ સમગ્ર સરકારી તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતની તમામ મહત્વની સરકારી કચેરીઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્ટાફ તેમજ અરજદારોને સુરક્ષાના ભાગરૂપે બહાર મોકલવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો કલેક્ટર કચેરી તથા આસપાસના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રવેશ માર્ગો પર કડક નજર રાખવામાં આવી છે.
આ સાથે જિલ્લા પંચાયત પરિસરમાં હાજર તમામ વિદ્યાર્થીઓને પણ સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ધમકીભર્યા ઈમેલના સ્ત્રોત અને હકીકત જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગામી સૂચના સુધી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. હાલ કોઈ નુકસાન કે ઇજા થયાની માહિતી સામે આવી નથી.


Leave a Comment