રાજકોટમાં પ્રથમ દિવસે જ 1119 મકાનો જમીનદોસ્ત, આજે બંગલાઓ પર ચાલશે બુલડોઝર

by

Thenewsdk

Updated: 24-02-2026, 05.22 AM

Follow us:

રાજકોટમાં ચાલી રહેલા આ અભિયાન હેઠળ આજી નદીના પટ તથા સરકારી જમીન પર દાયકાઓથી ઉભા રહેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. પ્રથમ દિવસે જ 1119 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના બાંધકામો સામેની કાર્યવાહી બીજા દિવસે ચાલુ રાખવામાં આવશે.

કુલ 3600થી વધુ સ્ટાફ સમગ્ર કામગીરીમાં જોડાયો

મળતી વિગતો મુજબ, વહેલી સવારથી જ મહાનગરપાલિકાએ 68 જેટલી જે.સી.બી., 7 હિટાચી મશીનો તેમજ કટર અને બ્રેકર સહિત આશરે 300 સાધનો-વાહનો તૈનાત કર્યા હતા. આ વિશાળ કામગીરીમાં મનપાના કર્મચારીઓ અને પોલીસ મળીને કુલ 3600થી વધુ સ્ટાફ જોડાયો હતો. બીજા દિવસે આશરે 370 જેટલા મકાનો, જેમાં બે અને ત્રણ માળના મિની બંગલાઓ પણ સામેલ છે, જે આજે દૂર કરાશે. આમ, કુલ 1489 જેટલા બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ થશે.

લગભગ 87,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થશે

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર, આ કામગીરી બાદ લગભગ 87,000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થશે. તેમાં આજી નદીના પટ પર આવેલા લગભગ 55,000 ચોરસ મીટર વિસ્તારમાંથી 992 મકાનો હટાવવામાં આવશે, જેથી ચોમાસામાં પૂરનું પાણી સરળતાથી વહી શકે. ઉપરાંત ટી.પી. રોડ પર 15 મીટર પહોળા માર્ગમાં અવરોધરૂપ બનેલા 497 બાંધકામો પણ દૂર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે માર્ગ વ્યવસ્થા સુધરશે.

તંત્રએ માઈક્રો પ્લાનિંગ પર ખાસ ભાર મૂક્યો

વિસ્તાર અત્યંત ગીચ અને સંવેદનશીલ હોવાથી તંત્રએ માઈક્રો પ્લાનિંગ પર ખાસ ભાર મૂક્યો હતો. નિવૃત્ત અને અનુભવી ટી.પી. અધિકારીઓની મદદથી ચોક્કસ માપણી અને માર્કિંગ કરવામાં આવ્યું, જેથી કોર્ટથી સ્ટે મળેલા મકાનોને કોઈ નુકસાન ન થાય. પીજીવીસીએલ, પોલીસ અને મનપાના સંકલનથી સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે. કામગીરી દરમિયાન કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

વિકાસ કાર્યોને તરત જ ગતિ આપવાનો નિર્ણય

દબાણ હટાવ્યા બાદ વિકાસ કાર્યોને તરત જ ગતિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 મીટર પહોળા નવા રસ્તાનું ખાતમુહૂર્ત ડિમોલિશન પૂર્ણ થયા બાદ કરાશે. ઉપરાંત જી.આઈ.ડી.સી. નજીક નવા બ્રિજનું કામ પણ શરૂ કરાશે. ફરીથી ગેરકાયદેસર બાંધકામો ન ઊભા થાય તે માટે સીસીટીવી દેખરેખ અને સતત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.