સુરત: ઈચ્છાપોર વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. પતિની સતત શારીરિક અને માનસિક હિંસાથી કંટાળીને 31 વર્ષીય પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટનામાં માનવતાને શર્મસાર કરતી બાબત એ છે કે, પત્ની આગની જ્વાળાઓમાં ઘેરાઈ હતી ત્યારે પતિ તેને બચાવવાને બદલે મોબાઈલમાં વીડિયો ઉતારતો રહ્યો હતો.
મૂળ બિહારના છપરાની રહેવાસી પ્રતિમાદેવીના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા. બંનેએ પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમલગ્ન કર્યા બાદ સુરતના ઈચ્છાપોરની જયરાજ સોસાયટીમાં વસવાટ શરૂ કર્યો હતો. શરૂઆતના સમયમાં સંબંધ સામાન્ય રહ્યા, પરંતુ બાદમાં પતિ નાની-નાની વાતે ઝઘડો કરી પત્ની પર હાથ ઉગામતો હતો.
ઘટનાના દિવસે પાડોશીના ઘઉં વેરવિખેર થવાના મુદ્દે પતિએ બાળકોને ઠપકો આપ્યો હતો. પત્નીએ બાળકોનો બચાવ કરતા જ પતિ ઉશ્કેરાઈ ગયો હતો. પત્નીએ કંટાળીને મરી જવાની વાત કરતા પતિએ સંવેદના બતાવવાને બદલે કહ્યું હતું—“ઘરમાં તેલ પડ્યું છે, જઈને સળગી જા.”
આ ઉશ્કેરણીથી આઘાતમાં આવેલી પ્રતિમાએ શરીરે ડીઝલ છાંટી આગ ચાંપી દીધી હતી. આ સમયે પતિએ પત્નીને બચાવવાનો કોઈ પ્રયાસ ન કરતા તેનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેણીએ પતિની હિંસા અને ઉશ્કેરણી અંગે પરિવારને હકીકત જણાવી હતી.
પ્રથમ તબક્કે પતિએ ઘટનાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃત્યુ પૂર્વેના નિવેદન અને બાળકોની માહિતી બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રતિમાના મોત બાદ ઈચ્છાપોર પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી દ્વારા બનાવાયેલા વીડિયો ફૂટેજ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Comment