માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગયા વર્ષે 15 ઓગસ્ટે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત કરવામાં આવી હતી. આ પાસ ખાસ કરીને નિયમિત રીતે નેશનલ હાઈવે પર મુસાફરી કરતા પ્રાઈવેટ વાહનચાલકો માટે શરૂ કરવામાં આવ્યો હતો. વાહનચાલકો માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ પ્રક્રિયા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના પોર્ટલ અથવા રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ દ્વારા સરળતાથી કરી શકાય છે.
વર્ષમાં 200 ટ્રિપ કરવાની સુવિધા
₹3000ના વાર્ષિક ફાસ્ટેગ પાસ હેઠળ વાહનચાલકોને એક વર્ષમાં કુલ 200 ટ્રિપ કરવાની મંજૂરી મળે છે. આ સમયગાળા દરમિયાન નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ-વે પર ટોલ પ્લાઝા ક્રોસ કરતી વખતે અલગથી કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. જો કોઈ વાહનચાલક 200 ટ્રિપની મર્યાદા પાર કરે તો તેને ફરી પાસ રિચાર્જ કરાવવો પડે છે.
દર વર્ષે વધશે ચાર્જ
અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે જ દર વર્ષે પાસની કિંમતમાં ફેરફાર કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. હાઈવે ટોલ ફીમાં થતા વાર્ષિક ફેરફારના ફોર્મ્યુલા મુજબ આ વધારો કરવામાં આવ્યો છે.


Leave a Comment