IND VS AUS T-20 MATCH : આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20નો મહાસંગ્રામ શરૂ થશે

ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ ગુમાવ્યા પછી આજથી પાંચ ટી-20 સિરીઝનો આરંભ થશે. ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં એશિયા કપ જીત્યા પછી પહેલી T20 રમવાની છે. સૂર્યકુમાર યાદવ જ ભારતની કમાન સંભાળશે. જ્યારે મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. મનુકા ઓવલ સ્ટેડિયમમાં આજે વર્લ્ડ ચેમ્પિયન ભારતનો મુકાબલો નંબર-2 રેન્ક ઓસ્ટ્રેલિયા સામે થશે.
- મિશન 2026 વર્લ્ડ કપ પર ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા આ સિરીઝથી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થનારા T20 વર્લ્ડ કપની તૈયારીઓ પણ શરૂ કરશે. સૂર્યકુમાર યાદવ છેલ્લા 1 વર્ષથી T20 કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેના પર ટાઇટલ ડિફેન્ડ કરવાની જવાબદારી છે. સૂર્યાએ મંગળવારે કહ્યું, ‘આ વર્લ્ડ કપની તૈયારી છે, પરંતુ સિરીઝ ઘણી પડકારજનક રહેવાની છે. આશા છે કે અમારા માટે આ સિરીઝ સારી સાબિત થશે.’
- કેનબેરામાં એકમાત્ર T20 જીત્યા
કેનબેરાના મનુકા ઓવલ મેદાન પર ટીમ ઈન્ડિયાએ 2020માં એકમાત્ર T20 રમી, જેમાં ભારતને 11 રનના નજીકના અંતરથી જીત મળી હતી. ભારતે ઓસ્ટ્રેલિયામાં 2+ મેચની એક પણ T20 સિરીઝ ગુમાવી નથી. ટીમે અહીં 2016 અને 2020માં 2 સિરીઝ જીતી, જ્યારે 2 સિરીઝ ડ્રો રમી.
ઓવરઓલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 32 T20 રમાઈ, જેમાં 20માં ભારત અને માત્ર 11માં ઓસ્ટ્રેલિયાને જીત મળી. એક મેચ અનિર્ણીત રહી. ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે 12 T20 મેચ રમાઈ. જેમાં 7માં ભારત અને 4માં ઓસ્ટ્રેલિયાને જીત મળી. એક મુકાબલો અનિર્ણીત રહ્યો.
- બુમરાહ આરામ પછી પરત ફરશે
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરી રહ્યા છે. તેને વન-ડે સિરીઝમાંથી બ્રેક આપ્યો હતો. બુમરાહની વાપસી પર કેપ્ટન સૂર્યાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની આક્રમક રમત શૈલી સામે બુમરાહનું હોવું હંમેશાથી ટીમ માટે ફાયદાકારક રહ્યું છે.
- કેનબેરામાં કડકડતી ઠંડી, વરસાદના અણસાર
કેનબેરામાં મંગળવારે તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આથી આજે પણ કડકડતી ઠંડી હશે. અહીં દિવસ દરમિયાન વરસાદના અણસાર છે. જોકે, સાંજે હવામાન સાફ રહેશે. વરસાદથી ઠંડી વધી શકે છે. તેની અસર મેચમાં પણ જોવા મળશે.
- લો સ્કોરિંગ મેચ થશે, સ્પિનર્સને મદદ મળશે
કેનબેરાનું મેદાન મોટું છે. અહીં લો સ્કોરિંગ મેચ જોવા મળે છે. સ્પિનર્સને મદદ મળે છે. આથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લો-સ્કોરિંગ કોન્ટેસ્ટ જોવા મળી શકે છે. છેલ્લી 4 મેચમાં પહેલા અને પછી બેટિંગ કરનારી ટીમે 2-2 મેચ જીતી છે.
- બંને ટીમ વચ્ચે કૂલ 32 મેચ રમાઈ જેમાં ભારત જીતમાં અગ્રેસર
અત્યાર સુધીમાં, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 32 T20I મેચ રમાઈ છે. તેમાં ભારતીય ટીમનું પલડું ભારે છે. કારણ કે, ભારતે 20 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ ફક્ત 11 મેચ જીતી છે. એક T20I મેચ અનિર્ણિત રહી છે. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાથી ઘણી આગળ છે.



