IND vs ENG: આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ ટેસ્ટ, યજમાન ટીમનો આ મેચવિનર ખેલાડી આઉટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝની પાંચમી અને આખરી ટેસ્ટ આજથી લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયાને સીરિઝમાં હારથી બચવા માટે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ઓવલ જીતીને સિરીઝ પર કબજો કરવા માંગશે. મેચની શરૂઆત ભારતીય સમય પ્રમાણે 3.30 વાગ્યે શરૂ થશે.
બેન સ્ટોક્સ ઈજાને કારણે પ્લેઇંગ-11માંથી બહાર
બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે રાહતની વાત એ છે કે ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ ઈજાને કારણે પ્લેઇંગ-11માંથી બહાર થઈ ગયો છે. જ્યારે તેની જગ્યાએ ટીમની કમાન ઓલી પોપ સંભાળશે. યજમાન ટીમે મેચના એક દિવસ પહેલા જ તેની પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે.
પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ(કેપ્ટન), જો રૂટ, હેરી બ્રૂક, જૈકબ બથેલી, જૈમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન અને જોશ ટંગ.
ગિલ સિરીઝનો ટોપ સ્કોરર
ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલે આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરિણામે તે આ શ્રેણી અને ટીમ બંનેનો ટૉપ સ્કોરર છે. તે જ સમયે, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બંને 14-14 વિકેટ સાથે બોલિંગમાં ટોચ પર છે.
ભારતે ધ ઓવલ ખાતે 2 ટેસ્ટ જીતી
ભારતે આ મેદાન પર ઇંગ્લેન્ડ સામે 14 ટેસ્ટ રમી હતી, જેમાં 2 જીતી હતી અને 5 હારી હતી. આ દરમિયાન 7 મેચ પણ ડ્રો રહી હતી. ભારતે 2023માં ઓસ્ટ્રેલિયા સામે ઓવલ ખાતે છેલ્લી ટેસ્ટ રમી હતી. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હતી જેમાં ભારત 209 રને હારી ગયું હતું.