ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જવાબમાં કિવી ટીમ 168 રન જ બનાવી શકી હતી. દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્ઝ સહિત ઘણા ખેલાડીઓએ ભારતીય ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્મૃતિ મંધાના ફરી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહી અને માત્ર 5 રન બનાવી શકી.
ભારતે ન્યુઝીલેન્ડને કર્યું ઓલઆઉટ
આ મેચમાં હરમનપ્રીત કૌર રમી રહી ન હતી, તેથી સ્મૃતિ મંધાનાએ ભારતનું નેતૃત્વ કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે સ્મૃતિ મંધાના માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જ્યારે શેફાલી વર્માએ શાનદાર રીતે 22 બોલમાં 33 રન બનાવ્યા હતા પરંતુ તે આ સ્કોરને મોટી ઇનિંગમાં બદલી શકી નહોતી. વિકેટકીપર બેટ્સમેન યસ્તિકા ભાટિયાએ 37 રન અને જેમિમાહ રોડ્રિગ્ઝે પણ 35 રનનું યોગદાન આપ્યું હતું. ભારત સંપૂર્ણ 50 ઓવર પણ રમી શક્યું ન હતું અને 45મી ઓવરમાં જ આખી ટીમ 227 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડ પાસેથી બદલો લીધો
ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં પણ સારી શરૂઆત કરી કારણ કે 46ના સ્કોર સુધી કિવી ટીમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અમદાવાદની પીચ પર બંને ટીમો બેટિંગમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી અને સમગ્ર મેચમાં કોઈ ખેલાડી અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બ્રુક હેલીડેએ બનાવ્યા હતા, જેણે 39 રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે એમેલિયા કેરે બોલિંગમાં 4 વિકેટ ઝડપી અને બેટિંગમાં 25 રનની અણનમ ઇનિંગ પણ રમી, પરંતુ તેની ટીમને 59 રનની હારમાંથી બચાવી શકી નહીં.
ભારતીય બોલરોએ કર્યો કમાલ
ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. જેમાં રાધા યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ડેબ્યૂડન્ટ સાઈમાં ઠાકોરે 2 વિકેટ લીધી હતી. અરૂંધતી રોય અને દિપ્તી શર્માને પણ 1-1 વિકેટ મળી હતી.
વર્લ્ડકપની હારનો લીધો બદલો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં પૂરા થયેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન બન્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયા નોકઆઉટ સ્ટેજમાં પણ પ્રવેશી શકી નહોતી. વાસ્તવમાં, ભારતને ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ દ્વારા 58 રને પરાજય મળ્યો હતો અને બાદમાં આ હાર ટીમ ઈન્ડિયા માટે ભારે સાબિત થઈ હતી.