સ્પોર્ટ્સ

Ind vs Pak Asia Cup 2025 : ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ના સ્વીકારી, મોહસિન નકવીનું જાહેરમાં નાક કપાયું

એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જેના કારણે મેચ પતી ગયાના લગભગ બે કલાક બાદ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

નકવી સ્ટેજ પર જ ઊભા રહ્યા

મેચ જીત્યા બાદ ટ્રોફી પ્રેઝેન્ટેશન સેરેમનીમાં જ્યારે ટીમ ઈન્ડિયા ન આવી તો નકવી ત્યાં જ ટ્રોફી સાથે લઈને ઊભા રહ્યા. પરંતુ ભારતીય પ્લેયર્સ અડગ રહ્યા કે તે નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે. ટીમ ઈન્ડિયાએ નકવીને સ્ટેજ પરથી ઊતારી દેવાની માગ કરી હતી. જોકે છેલ્લે નિર્ણય લેવાયો કે ભારતીય ટીમ એવોર્ડ જ નહીં સ્વીકારે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે નકવી

ઉલ્લેખનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવી છે. તે પાકિસ્તાનના ગૃહ મંત્રી પણ છે. હેન્ડશેક વિવાદ બાદથી અટકળો હતી કે ભારતીય ખેલાડીઓ કોઈ પાકિસ્તાનીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે કેમ કે જ્યારે 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાઈ હતી ત્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહોતા મિલાવ્યા. જેના બાદથી ડ્રામાની શરૂઆત થઇ ચૂકી હતી.

ભારતીય કેપ્ટને કહ્યું- મેં આ પહેલીવાર જોયું

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી વિશે પૂછવામાં આવ્યું. સૂર્યાએ કહ્યું, “હું ક્રિકેટ રમી રહ્યો છું ત્યારથી આ પહેલીવાર છે કે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવામાં આવી નથી. અમે આ ટુર્નામેન્ટ જીતવા માટે ખૂબ જ મહેનત કરી. ગમે તે હોય, તે ઠીક છે. અમારા બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં હોવું એ જ મારા માટે ટ્રોફી છે.”

પાકિસ્તાની કેપ્ટને કહ્યું- ભારતીય ટીમ ક્રિકેટનો અનાદર કરી રહી છે

મેચ પછી, પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ ભારતીય ટીમ પર ક્રિકેટનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો. આગાએ કહ્યું, “અમારી સાથે હાથ ન મિલાવીને, તેઓ અમારો અનાદર નથી કરી રહ્યા. તેઓ ક્રિકેટનો અનાદર કરી રહ્યા છે. તેમનું વર્તન બિલકુલ ખોટું હતું.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button