Ind Vs WI: અમદાવાદ ટેસ્ટમાં રાહુલે શાનદાર સેન્ચુરી ફટકારી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 રનને પાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્યારે આજે મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડી કે.એલ રાહુલે શાનદાર સેન્ચુરી ફટકારી છે.
રાહુલે 11મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી
કેએલ રાહુલે ટેસ્ટ કરિયરની 11મી સદી ફટકારી છે. તેણે આઠ વર્ષે પછી ઘરઆંગણે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી છે. છેલ્લે 2016માં ચેન્નઈમાં તેણે ઇંગ્લેન્ડ સામે 199 રનની ઇનિંગ રમી હતી. ટીમનો સ્કોર લંચ સુધીમાં 3 વિકેટના નુકસાને 218 રન છે.
ભારતમાં કેપ્ટન તરીકેની ગિલની પહેલી ફિફ્ટી
ભારતીય કેપ્ટન શુભમન ગિલે પોતાની ફિફ્ટી ફટકારીને આઉટ થયો હતો. ગિલની આઠમી હાફ ટેસ્ટ સેન્ચુરી હતી. જ્યારે ભારતમાં કેપ્ટન તરીકેની તેની પહેલી ફિફ્ટી હતી. કેરેબિયન કેપ્ટન રોસ્ટન ચેઝની બોલિંગમાં જસ્ટિન ગ્રીવ્ઝના હાથે તેનો કેચ થયો.
ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી
અમદાવાદના સ્ટેડિયમમાં આયોજિત ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં પહેલા દિવસે જ સ્ટેડિયમમાં ઘણા ઓછા ફેન્સ આવવાથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ મામલે સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાને છે, બે વખત WTC ફાઈનલ રમી ચૂકી છે. જ્યારે દુનિયાના આઠમાં નંબરની વેસ્ટ ઈન્ડિઝ ટીમ છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં સમેટાઈ ગઈ હતી
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનારી કેરેબિયન ટીમ ફક્ત 162 રન જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે જસ્ટિન ગ્રીવ્સે 32 રન બનાવ્યા, અને અન્ય કોઈ બેટર 30 રન સુધી પણ પહોંચી શક્યો નહીં. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે બે વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે પણ એક વિકેટ લીધી હતી.