india cricket : ટીમ ઈન્ડિયાના નવા જર્સી સ્પોન્સરનું નામ આખરે જાહેર કરાયું, નવો કરાર 2027 સુધી રહેશે

એપોલો ટાયર્સે બોલી પ્રક્રિયા જીતી અને દરેક મેચ માટે BCCIને 4.5 કરોડ રૂપિયા ઓફર કર્યા છે. જે ડ્રીમ11 દ્વારા અગાઉ ઓફર કરાયેલા 4 કરોડ રૂપિયા કરતા વધુ છે. આ નવો કરાર 2027 સુધી ચાલશે.
આ નવા કરાર પછી, એપોલો ટાયર્સનો લોગો હવે ભારતીય ટીમની જર્સી પર ચમકશે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે આ પગલું ટીમ ઈન્ડિયાને વધુ સારી બ્રાન્ડ સપોર્ટ આપશે એટલું જ નહીં , પરંતુ એપોલો ટાયર્સનું બ્રાન્ડ મૂલ્ય પણ એક નવા સ્તરે લઈ જશે.
હાલમાં ટીમ ઈન્ડિયા સ્પોન્સર વિના રમી રહી છે
હાલમાં એશિયાકપમાં ભારતીય મેન્સ ટીમ કોઈ સ્પોન્સર વિના રમી રહી છે. જ્યારે મહિલા ટીમ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝ સ્પોન્સર વગર રમી રહી છે.
ઓનલાઈન ગેમિંગ એપ પર પ્રતિબંધ બાદ બીસીસીઆઈ કરાર તોડી નાખ્યો હતો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ ડ્રીમ-11 સાથે કરાર તોડી નાખ્યો હતો. જુલાઈ 2023માં ડ્રીમ 11એ બીસીસીઆઈ સાથે 358 કરોડ રૂપિયાનો મોટો સોદો કર્યો હતો.