India New rules from January 2026: 1 જાન્યુઆરી 2026થી LPG ગેસની કિંમતથી લઈને કારની કિંમતો સુધી અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે. આ સાથે બેન્કિંગ, પેન્શન અને સેલેરી સંબંધિત નિયમોમાં પણ બદલાવ થશે.
1 જાન્યુઆરીથી બદલાશે અનેક નિયમો
વર્ષ 2025 હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યું છે અને 1 જાન્યુઆરી સાથે જ વર્ષ 2026ની શરૂઆત થશે. નવા વર્ષની શરૂઆત સાથે અનેક મહત્વના આર્થિક નિયમોમાં ફેરફાર થવાના છે, જે તમારા રોજિંદા જીવન અને ખર્ચ પર સીધી અસર કરી શકે છે. 1 જાન્યુઆરીથી LPG ગેસના ભાવ, પાન-આધાર, નવું પે કમિશન સહિત ઘણા નિયમો બદલાશે. ચાલો વિગતે સમજીએ કે આ નિયમો શું છે અને તમારા જીવન પર તેની શું અસર પડશે?
પહેલો બદલાવ: PAN-આધાર લિંક
આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બરમાં જ પૂરી થઈ રહી છે. જો તમે બંનેને લિંક નહીં કરો તો 1 જાન્યુઆરીથી તે નિષ્ક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં તમે ITR રિફંડ, રસીદો અને બેન્કિંગ લાભ મેળવી શકશો નહીં. પાન નિષ્ક્રિય થવાથી ઘણી સરકારી યોજનાઓના લાભથી પણ વંચિત રહી શકો છો.
બીજો બદલાવ: UPI, SIM અને મેસેજિંગ નિયમો વધુ કડક
બેંકો UPI અને ડિજિટલ પેમેન્ટના નિયમોને વધુ કડક બનાવી રહી છે. ફ્રોડ રોકવા માટે SIM વેરિફિકેશનના નિયમો પણ કડક કરવામાં આવી રહ્યા છે, જેથી WhatsApp, Telegram અને Signal જેવી એપ્સ મારફતે થતા ફ્રોડને ઓછા કરી શકાય.
ત્રીજો બદલાવ: FD યોજના અને લોન
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને HDFC બેન્ક જેવી બેન્કોએ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. આ સાથે જ જાન્યુઆરીથી નવી FDના વ્યાજ દરો પણ લાગુ થશે. આ બદલાવ તમારા રોકાણ પર અસર કરી શકે છે.
ચોથો બદલાવ: LPG સિલિન્ડરના ભાવ
દર મહિને LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. 1 જાન્યુઆરીથી પણ LPGના ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે, જેની સીધી અસર તમારા ઘરખર્ચ પર પડશે. 1 ડિસેમ્બરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો.
પાંચમો બદલાવ: CNG, PNG અને ATF
ઓઇલ કંપનીઓ LPG સાથે સાથે CNG, PNG અને ATFના ભાવમાં પણ દર મહિને ફેરફાર કરે છે. 1 જાન્યુઆરીથી LPG સાથે CNG,PNG અને જેટ ફ્યુઅલના ભાવમાં બદલાવ થઈ શકે છે. ATFને જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે, જે ઝડપી ઈંધણ છે અને તેના ભાવ ઘરેલુ તથા આંતરરાષ્ટ્રીય બજાર માટે અલગ-અલગ નક્કી થાય છે.
છઠ્ઠો બદલાવ: નવો ટેક્સ કાયદો
નવો ઈન્કમ ટેક્સ એક્ટ 2025 સંપૂર્ણ રીતે 1 જાન્યુઆરી 2026થી લાગુ નહીં થાય, પરંતુ સરકાર જાન્યુઆરી સુધીમાં નવા ITR ફોર્મ અને નિયમો જાહેર કરશે, જે 1 એપ્રિલ 2026થી એટલે કે નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે. આ કાયદો જૂના Income-tax Act, 1961ને બદલી દેશે. નવા કાયદા હેઠળ પ્રોસેસ, ટેક્સ ઈયરની વ્યાખ્યા બદલાશે, ITR ફોર્મ સરળ બનાવાશે અને સમગ્ર સિસ્ટમ વધુ સરળ થશે.
7મો બદલાવ: 8મું પગાર કમિશન
આશા છે કે, સરકાર 8મું પગાર કમિશન 1 જાન્યુઆરી 2026થી અસરકારક બનાવશે, ભલે તેને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં થોડો સમય લાગી જાય. એટલે કે, 8મું પગાર કમિશન લાગુ થયા બાદ કર્મચારીઓને પગાર અને પેન્શન 1 જાન્યુઆરી 2026થી ગણતરી કરીને મળશે. નોંધનીય છે કે 7મું પગાર કમિશન 31 ડિસેમ્બર 2025એ સમાપ્ત થશે.
8મો બદલાવ: ખેડૂતો માટે નવા નિયમો
ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ખેડૂતોને PM-કિસાન યોજનાનો લાભ મેળવવા માટે યુનિક ખેડૂત ID ફરજિયાત થશે. PM ફસલ વીમા યોજનામાં, જો જંગલી પ્રાણીઓ દ્વારા થયેલા પાકના નુકસાનની જાણ 72 કલાકની અંદર કરવામાં આવે, તો હવે તેને પણ કવર કરવામાં આવશે.
9મો બદલાવ: વાહનોની કિંમતોમાં વધારો
1 જાન્યુઆરી 2026થી ભારતમાં અનેક મોટી ઓટોમોબાઇલ કંપનીઓ તેમની ગાડીઓની કિંમતોમાં વધારો કરવાની તૈયારીમાં છે. નિસાન, BMW, JSW MG મોટર, Renault અને એથર એનર્જીએ વાહનોના ભાવમાં 3,000 રૂપિયાથી લઈને 3 ટકા સુધી વધારાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ અને હોન્ડા જેવી કંપનીઓએ પણ ભાવ વધારાના સંકેત આપ્યા છે.


Leave a Comment