ભારતીય ક્રિકેટમાં 6 ડિસેમ્બર એક અનોખો અને રેકોર્ડબ્રેક સંયોગ લઈને આવે છે. આ દિવસે એકસાથે ટીમ ઈન્ડિયાના છ જાણીતા ક્રિકેટર્સ પોતાનો જન્મદિવસ ઉજવે છે જેવું દુર્લભ દૃશ્ય ક્રિકેટ જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. આ યાદીમાં વર્તમાન ટીમના મુખ્ય સ્તંભો, ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા બોલરનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના સ્ટાર ઓલરાઉન્ડર ‘સર’ રવીન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર, 1988ના રોજ થયો હતો. જાડેજાએ ભારત માટે કુલ 369 આંતરરાષ્ટ્રીય મેચ રમીને પોતાને વિશ્વસ્તરીય ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યો છે. તેમની સાથે જ ભારતના ‘યોર્કર કિંગ’ જસપ્રીત બુમરાહ પણ 6 ડિસેમ્બર, 1993ના રોજ જન્મ્યા હતા. બુમરાહે અત્યાર સુધીમાં 221 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને ભારતના સૌથી ઘાતક ફાસ્ટ બોલરોમાં ગણાય છે.
બેટિંગ વિભાગમાંથી પણ બે મહત્વના નામ આ ખાસ દિવસે જોડાયેલા છે. શ્રેયસ ઐયરનો જન્મ 6 ડિસેમ્બર, 1994ના રોજ થયો હતો અને તેઓ ભારત માટે 138 મેચ રમી ચૂક્યા છે. બીજી તરફ, ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર કરુણ નાયરનો જન્મ 6 ડિસેમ્બર, 1991ના રોજ જોધપુરમાં થયો હતો જે તેમને ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં ખૂબ ખાસ બનાવે છે.
આ તારીખને વિશેષ બનાવે છે પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહનો જન્મદિવસ પણ. 2007 T20 વર્લ્ડ કપમાં ભારતને ખિતાબ અપાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. રાયબરેલીમાં જન્મેલા આર.પી. સિંહ ભારત માટે 82 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે અને હાલ સિલેક્શન કમિટીના સભ્ય છે.
છ ખેલાડીઓની યાદી પૂરી કરે છે ભારતીય ક્રિકેટની નવી ઉભરતી પ્રતિભા અંશુલ કંબોજ, જેને ‘AK47’ નામથી ઓળખવામાં આવે છે. 6 ડિસેમ્બર, 2000ના રોજ જન્મેલા આ હરિયાણા ફાસ્ટ બોલરે તાજેતરમાં ટેસ્ટ ડેબ્યૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
એક જ ટીમમાં એક જ તારીખે છ ખેલાડીઓના જન્મદિવસનું સંયોગ અત્યંત દુર્લભ છે, અને 6 ડિસેમ્બર ભારત માટે ક્રિકેટિંગ ઇતિહાસમાં સદાય યાદગાર દિવસ બની ગયો છે. ચાહકો સોશિયલ મિડિયા પર આ તમામ સ્ટાર્સને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.


Leave a Comment