Instagram Reels : ‘ટીવી કરતાં વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવે છે’, મેટાએ કર્યો મોટો દાવો

ગુરુવારે મેટાએ દાવો કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ભારતમાં શોર્ટ-વીડિયો જોવાનું લીડીંગ પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયા જાયન્ટ મેટાના દાવા ભારતમાં હાથ ધરાયેલા એક સર્વે પર આધારિત હતા.
આ સર્વે દેશમાં રીલ્સના લોન્ચના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કરવામાં આવ્યો હતો. ભારતમાં કરાયેલા સર્વે મુજબ સોશિયલ મીડિયા યુઝર્સ અન્ય સ્પર્ધકો કરતા રીલ્સને પસંદ કરે છે. ઉપરાંત, કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે શોર્ટ-ફોર્મેટ વીડિયોના વ્યૂઅર્સ ટીવી અને OTT પ્લેટફોર્મ કરતા વધુ છે.
મેટાના દાવા
સોશિયલ મીડિયા જાયન્ટે તેના રીલ્સ પ્લેટફોર્મ વિશે ઘણા મોટા દાવા કર્યા છે. આ તારણો માર્કેટ રિસર્ચ અને પબ્લિક ઓપિનિયન ફર્મ ઇપ્સોસના સહયોગથી મેટા-કમિશન કરેલા સર્વે પર આધારિત હોવાનું કહેવાય છે. આ સર્વે ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્લેટફોર્મ પર એક અલગ રીલ્સ ટેબ લોન્ચ કર્યાના પાંચ વર્ષ પૂરા થવા પર કરવામાં આવ્યો હતો.
સર્વેમાં રસપ્રદ આંકડા આવ્યા સામે
કંપનીનો દાવો છે કે તેણે ભારતના 33 અલગ-અલગ કેન્દ્રોમાંથી 3,500થી વધુ લોકોનો સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે સર્વેમાં ભાગ લેનારા 92 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ સર્વે કરાયેલા અન્ય કોઈપણ સ્પર્ધક કરતાં રીલ્સ પર શોર્ટ વીડિયો જોવાનું પસંદ કરે છે.
કંપનીએ સર્વેમાં બીજા એપના નામ આપ્યા નથી. વધુમાં, મેટાએ દાવો કર્યો હતો કે 97 ટકા ઉત્તરદાતાઓએ દિવસમાં ઓછામાં ઓછા એક વખત શોર્ટ વીડિયો જોવાનું સ્વીકાર્યું હતું. તેની સરખામણીમાં, 83 ટકા લોકોએ કહ્યું કે તેઓ દિવસમાં ઓછામાં ઓછું એક વખત ટીવી જુએ છે.
અહેવાલમાં એપ્રિલ 2025ના ‘ડિજિટલ ઇન્ડિયાનો ઓનલાઈન વીડિયો વપરાશ’ અભ્યાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે 82 ટકા વ્યક્તિઓ દરરોજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ટીવી અને OTT પ્લેટફોર્મ માટે ટકાવારી અનુક્રમે 78 અને 43 ટકા છે.