Insurance Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં વીમા કાયદા (સુધારા) બિલ 2025 રજૂ કર્યું, જેને “સબકા બીમા, સબકી રક્ષા” નામ આપવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય હેતુ દેશમાં વીમાની પહોંચ વધારવો, પોલિસીધારકોના હિતોનું રક્ષણ મજબૂત કરવું અને વીમા ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવાનો છે.
આ બિલમાં વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો આ બિલ સંસદના બંને ગૃહોમાં પાસ થશે, તો વિદેશી વીમા કંપનીઓ સંપૂર્ણ રોકાણ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરી શકશે.
- 100% FDIનો અર્થ શું?
100% FDI મંજૂર થવાથી ભારતીય વીમા બજારમાં વધુ વિદેશી કંપનીઓ આવશે. પરિણામે સ્પર્ધા વધશે, વીમા પ્રીમિયમ ઘટશે અને ગ્રાહકોને ઓછા ખર્ચે વધુ સારી તથા વૈશ્વિક સ્તરની વીમા યોજનાઓ ઉપલબ્ધ થશે.
- સામાન્ય માણસને શું ફાયદો થશે?
વધતી સ્પર્ધાને કારણે વીમો વધુ સસ્તો બનશે
વિદેશી કંપનીઓના આગમનથી રોજગારની નવી તકો ઊભી થશે
સાયબર, માઇક્રો, પાલતુ પ્રાણી જેવા નવા વીમા પ્રોડક્ટ્સ આવશે
AI અને નવી ટેકનોલોજીથી ક્લેમ સેટલમેન્ટ વધુ ઝડપી થશે
IRDAIને વધુ સત્તા મળતાં ગ્રાહકોના હિતોનું મજબૂત રક્ષણ થશે
વીમા સેવા દૂરદરાજ વિસ્તારો સુધી પહોંચશે
ગ્રાહક સેવાની ગુણવત્તામાં સુધારો થશે
વીમા કંપનીઓને નાણાકીય મજબૂતી મળશે
- LIC અને એજન્ટોને રાહત
નવા બિલ મુજબ LICને હવે ઝોનલ ઓફિસ ખોલવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં, જેથી તે ખાનગી કંપનીઓ સાથે સમાન સ્તરે સ્પર્ધા કરી શકશે. સાથે જ વીમા એજન્ટો માટે એક વખતની નોંધણી પ્રણાલી લાવવામાં આવશે, જેથી તેઓ વધુ સમય ગ્રાહકોની સેવા પર ધ્યાન આપી શકશે.
કુલ મળીને, વીમા બિલ 2025ને ભારતના વીમા ક્ષેત્રમાં એક ઐતિહાસિક સુધારાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે, જે લાંબા ગાળે ગ્રાહકો, કંપનીઓ અને અર્થતંત્ર—ત્રણેમાટે લાભદાયી સાબિત થઈ શકે છે.


Leave a Comment