IPL 2026 Auction: 13-15 ડિસેમ્બર વચ્ચે ઓક્શનની શક્યતા, 15 નવેમ્બર સુધી ખેલાડીઓને રિટેન કરી શકાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજીની તારીખ લગભગ નિશ્ચિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હરાજી 13 થી 15 ડિસેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે. BCCI સાથે ચર્ચા કર્યા પછી ફ્રેન્ચાઇઝી અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી ઔપચારિક રીતે ટાઈમટેબલ જાહેર કર્યું નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, હરાજી ક્યાં થશે તેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. આઈપીએલની છેલ્લી બે સીઝનની હરાજી વિદેશની ધરતી પર થઈ હતી. 2023માં દુબઈમાં અને 2024માં જેદ્દાહમાં હરાજી થઈ હતી.
ભારતમાં મિની ઓક્શન થઈ શકે
મીડિયા સૂત્રો અનુસાર, ભારતમાં આ વખતે મિની ઓક્શન થઈ શકે છે. જો કે, હજી આ મુદ્દે ઠોસ નિર્ણય લેવાયો નથી. રિટેન્શનની અંતિમ તારીખ 15 નવેમ્બર છે. 15 નવેમ્બર સુધી તમામ આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ રીલીઝ કરવા ન માગતાં ખેલાડીઓના નામ બીસીસીઆઈ સમક્ષ રજૂ કરવાના રહેશે.
ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સિવાય અન્ય કોઈ ટીમમાં કોઈ ખાસ મોટા ફેરફારની સંભાવના હાલ નહિંવત્ત જણાઈ રહી છે. બંને ટીમ સીઝન 2024ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતી.
સીએસકેમાં આ ખેલાડી રીલિઝ થઈ શકે
રિપોર્ટ અનુસાર, ચેન્નઈ સુપર કિંગ્સની રીલિઝ લિસ્ટમાં દિપક હુડ્ડા, વિજય શંકર, રાહુલ ત્રિપાઠી, સેમ કરન, ડેવોન કૉનવેનું નામ સામેલ થઈ શકે છે. પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહી ચૂકેલા સીએસકે પાસે આર. અશ્વિન રિટાયર થતાં સીએસકે પાસે 9.75 કરોડનું બજેટ વધ્યું છે.
આરઆરમાં આ ખેલાડીઓ રીલિઝ થશે
રાજસ્થાન રોયલ્સની રીલિઝ લિસ્ટમાં સંજૂ સેમસન સામેલ થશે. જો ફ્રેન્ચાઈઝી કેપ્ટન માટે ટ્રેડ કરવામાં સફળ ન રહી તો તે વાનિંદુ હસરંગાને રીલિઝ કરી શકે છે. કુમાર સંગાકારા હેડ કોચ તરીકે પરત ફરતાં આ યોજનામાં મોટા ફેરફારો થઈ શકે છે.
સ્ટાર્ક, નટરાજન, આકાશ દીપ નવી ટીમમાં જોડાશે
ટી નટરાજન, મિશેલ સ્ટાર્ક, આકાશ દીપ, મયંક યાદવ, ડેવિડ મિલર અને અન્ય ખેલાડીઓ નવી ફ્રેન્ચાઇઝી શોધી રહ્યા છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. વેંકટેશ ઐયર પાછલી હરાજીમાં ત્રીજા ક્રમે સૌથી મોંઘો ખેલાડી હતો, તેને કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા રૂ. 23.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
વધુમાં ફ્રેન્ચાઇઝીઓ વચ્ચેની ચર્ચાઓના આધારે, કેમેરોન ગ્રીન હરાજીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ખેલાડી બની શકે છે. કાંગારૂ ઓલરાઉન્ડર ઈજાને કારણે છેલ્લી હરાજીમાં ભાગ લઈ શક્યો ન હતો. તેના માટે ઊંચી બોલી બોલાઈ શકે છે.