દેશ-વિદેશ

Israel attack in Yemen : ઈઝરાયેલે યમન-ગાઝામાં ભયાનક હુમલા કર્યા: 76નાં મોત

ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટ વચ્ચેના તણાવમાં હવે યમન અને ગાઝા બંનેમાં ભારે જાનહાનિ નોંધાઈ છે. ઈઝરાયેલે યમન પર કરેલી એરસ્ટ્રાઇકમાં 35 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે.

યમનના હુથી નિયંત્રિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ હુમલો હુથી બળવાખોરો દ્વારા ઈઝરાયેલના એરપોર્ટ પર કરવામાં આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલે યમનની રાજધાની સનામાં હુથીઓના સૈન્ય મથકો અને ફ્યુઅલ સ્ટેશનોને નિશાન બનાવ્યા હતા.

ગાઝામાં કુપોષણથી મૃત્યુઆંકમાં પણ વધારો

તે જ સમયે, ગાઝામાં પણ ઈઝરાયેલના હુમલાઓ ચાલુ રહ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાઓમાં 41 લોકોના મોત થયા છે અને 184થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ સાથે ગાઝામાં જાન ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 64,600 થઈ ગઈ છે. ગાઝામાં કુપોષણથી મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે, જેમાં અત્યાર સુધી 404 લોકોના મોત થયા છે, જેમાં 141 બાળકોનો સમાવેશ થાય છે.

કેમ્પોમાં જવા સૂચના આપવામાં આવી

હુથી બળવાખોરોએ જાહેર કર્યું છે કે તેઓ પેલેસ્ટાઇનના સમર્થનમાં ઈઝરાયેલ પર પોતાના હુમલા ચાલુ રાખશે અને વધુ તીવ્ર હુમલાની ચેતવણી આપી છે.

આ પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયેલે ગાઝા શહેરના લગભગ દસ લાખ રહેવાસીઓને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. લોકોને દક્ષિણમાં બનાવેલા કેમ્પોમાં જવા સૂચના આપવામાં આવી છે,

જેના કારણે ત્યાં માનવીય સંકટ ઊભું થઈ રહ્યું છે. આ દરમ્યાન, ઈઝરાયેલે કતારની રાજધાની દોહા પર કરેલા હુમલાની મિડલ ઈસ્ટના દેશોએ કડક નિંદા કરી છે. કતાર અમેરિકાનો નજીકનો સાથીદાર માનવામાં આવે છે, અને આ હુમલાએ સમગ્ર આરબ વિશ્વમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. પરિસ્થિતિએ મિડલ ઈસ્ટમાં તણાવને વધુ ઉગ્ર બનાવી દીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button