બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં ફરી ચર્ચામાં આવ્યા છે. દેવું ન ચૂકવતા તેમણે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. 12 ફેબ્રુઆરીએ તેમની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જ્યાં કોર્ટએ તેમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે.
હાઇકોર્ટનો સવાલ
કોર્ટે રાજપાલને પૂછ્યું કે જ્યારે તેમણે કોર્ટ સમક્ષ દેવું સ્વીકાર્યું હતું અને ચુકવણીનો વાયદો કર્યો હતો, ત્યારે હવે સજા અટકાવવાની માંગ શા માટે કરી રહ્યા છે? કોર્ટે નોંધ્યું કે તેમને 25થી 30 વખત ચુકવણી માટે તક આપવામાં આવી હતી, છતાં વર્ષો સુધી દેવું ચૂકવાયું નથી.
વકીલની દલીલ
રાજપાલના વકીલે દલીલ કરી કે તેમણે 3 કરોડથી વધુ રકમ પહેલેથી જ ચૂકવી દીધી છે અને બાકી રકમ જમા કરવા તૈયાર છે. તેમણે કોર્ટમાં સુરક્ષા તરીકે 2.10 કરોડ રૂપિયા જમા કરવાની તૈયારી દર્શાવી અને પરિવારના લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને જામીન આપવા વિનંતી કરી.
કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે, “કાયદો તો કાયદો છે.” જો રકમ જમા કરવામાં આવે તો આગળની સુનાવણી ચાલુ રાખવામાં આવશે.
સેલિબ્રિટીઓનો સહારો
આ મુશ્કેલ સમયમાં રાજપાલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સહાનુભૂતિ અને નાણાકીય સહાય મળી રહી છે. લગભગ 14 સેલિબ્રિટીઓએ મદદનો હાથ લંબાવ્યો છે. FWICEએ પણ સહાય માટે અપીલ કરી છે. રાજપાલની પત્ની રાધાએ તમામનો આભાર માન્યો છે.
કેસની શરૂઆત કેવી રીતે થઈ?
આ વિવાદ 2012ની ફિલ્મ ‘અતા પતા લાપતા’થી શરૂ થયો હતો. ફિલ્મના નિર્માણ માટે 2010માં લેવામાં આવેલી 5 કરોડ રૂપિયાની લોન વ્યાજ સાથે વધી 9 કરોડ થઈ ગઈ. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતા દેવું ચૂકવવામાં વિલંબ થયો અને 2018માં કેસ કાનૂની દિશામાં ગયો.


Leave a Comment