Jaipur Ajmer Highway : જયપુર-અજમેર હાઈવે પર ભયાનક દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ

રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર મંગળવાર (7 ઓક્ટોબર)ની મોડી રાત્રે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મૌજમાબાદના સાવરદા બ્રિજ નજીક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકને એક અન્ય વાહન ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો અને આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ. વિસ્ફોટ એટલો ભારે હતો કે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને ઘણા કિલોમીટર દૂર સુધી આગનો ધુમાડો દેખાયો હતો.
આ દુર્ઘટનાને પગલે હાઈવે પર તાત્કાલિક ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અને અનેક કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રકમાં LPG ગેસના સિલિન્ડર ભરેલા હતા, જેના કારણે વિસ્ફોટનો ભય વધ્યો હતો. આસપાસના લોકો પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા
દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા રાત્રે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા સૂચના આપી. હાલ ટ્રક ડ્રાઇવર અને કંડક્ટર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
મુખ્યમંત્રી દ્વારા દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પ્રાથમિક અહેવાલ મુજબ, વાહનની સ્પીડ તથા ગેસ સિલિન્ડર ભરાવાની પ્રક્રિયામાં સુરક્ષા નીતિનું ઉલ્લંઘન થયું હોવાનું મનાય છે. હજુ સુધી જાનહાનિ અંગેનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી, પરંતુ પોલીસે આખા માર્ગને સાવચેતી રૂપે સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે.