Jamnagar News : જામનગરની સરકારી શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીના વાળ કાપી નાખ્યા, વાલીઓમાં રોષ

જામનગરની સરકારી નવાનગર હાઇસ્કૂલમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીના આગળના વાળ કાપી નાખ્યા હોવાનું વાલીઓનો દાવો છે. ફરિયાદકર્તા વાલાએ જણાવ્યું કે, “અમારા છોકરાએ રડતાં-રડતાં ફોન કર્યો અને આ મામલો બતાવ્યો.”
ઘટના શું હતી?
માહિતી મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં રહેતા ધોરણ-12ના વિદ્યાર્થી શાળાની ઓફિસમાં વાલીના સંપર્ક નંબર નોંધાવવાના માટે ગયા હતા. આ સમયે ધોરણ-12ની એક શિક્ષિકા ત્યાં હાજર હતી. તેમણે વિદ્યાર્થીને જોઈને કહ્યું કે, “તારા વાળ બહુ લાંબા થઇ ગયા છે.” વિદ્યાર્થીએ કહ્યું કે, “હું પોતે કપાવી લઉં.” છતાં, શિક્ષિકાએ જાતે જ કાતર કરીને તેનો આગળનો વાળ કાપી નાખ્યો.
વાલીઓ રોષે ભરાયા
વિદ્યાર્થીએ કોઈકના ફોનથી તેના વાલીને કોલ કરીને રડતાં-રડતાં સમગ્ર ઘટના જણાવી. વાલીઓ આ ઘટનાથી ખુબ રોષિત થયા અને જિલ્લા શિક્ષણાધિકારી તથા ગાંધીનગરના શિક્ષણ વિભાગને ફોટા અને ફરિયાદ મોકલી તપાસની માંગ કરી.
જિલ્લા શિક્ષણાધિકારીનો નિવેદન
જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતાએ જણાવ્યું, “હજી સુધી મારી પાસે કોઈ ઓફિશિયલ ફરિયાદ આવી નથી. જો આવી જશે તો ચોક્કસપણે તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થશે.”