Jamnagar – Rajkot હાઈવે પર લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અથડામણ, સાત મુસાફરોને ઇજા

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ તાલુકાના વાંકિયા ગામ પાસે આજે સવારે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મુસાફરી કરતા સાત લોકો નાની-મોટી ઇજાઓ સાથે ઘાયલ થયા છે. તમામને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શું ઘટના બની હતી?
મળતી માહિતી મુજબ, જામનગરની ખાનગી ટ્રાવેલ્સની બસ સવારે લગભગ 8 વાગ્યે મોરબી તરફ જઈ રહી હતી. રસ્તામાં ધ્રોલ નજીક આવેલ વાંકિયા પાટિયા પાસે એક ડમ્પર અચાનક સામે આવી જતાં બસ અને ડમ્પર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની બે ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી
સદનસીબે ઈજાઓ ગંભીર ન હોવાથી ઘાયલ થયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી તથા હોસ્પિટલ પહોંચીને જાનહાનિની માહિતી મેળવી હતી.