Jasprit Bumrah વર્કલોડના કારણે નહીં પણ આ કારણે થયો પાંચમી ટેસ્ટથી બહાર, BCCIએ જણાવ્યું કારણ

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમશે તેવું ચીફ સિલેક્ટર અજીત અગરકરે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. જ્યારે બુમરાહે માન્ચેસ્ટરમાં પોતાની ત્રીજી ટેસ્ટ મેચ રમી, ત્યારે બધાને અંદાજ હતો કે તે ઓવલમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં ભાગ નહીં લે.
જોકે, સીરિઝ દાવ પર હોવાથી કંઈ પણ ચોક્કસ નહોતું. પરંતુ જ્યારે ટોસ સમયે કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે બુમરાહ પાંચમી ટેસ્ટ નથી રમી રહ્યો, ત્યારે બધે તેના વર્કલોડ વિશે વાતો થવા લાગી હતી. Jasprit Bumrah ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ પાંચેય ટેસ્ટ રમ્યો હતો, જેનું પરિણામ તેને ઈજાના રૂપમાં ભોગવવું પડ્યું હતું.
આ કારણે Jasprit Bumrah પાંચમી ટેસ્ટ રમ્યો નહોતો
જોકે, એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે બુમરાહ વર્કલોડના કારણે નહીં, પરંતુ ઈજાના કારણે પાંચમી ટેસ્ટ રમ્યો નહોતો. પાંચમી ટેસ્ટમાં ભાગ ન લીધા બાદ, 31 જુલાઈએ BCCIએ Jasprit Bumrahને ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવાની જાણકારી આપી હતી.
BCCIએ લખ્યું હતું કે, ‘Jasprit Bumrahને ઈંગ્લેન્ડ સામેની સીરિઝની પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાંથી મુક્ત કરવામાં આવ્યો છે.’ જોકે, આ જાહેરાતમાં ઈજા અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
મેડિકલ ટીમ બુમરાહના સ્કેન રિપોર્ટની જોઈ રહી છે રાહ
BCCIના એક અધિકારીએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું, ‘દુર્ભાગ્યવશ, Jasprit Bumrah ઘૂંટણની ઈજાથી પરેશાન છે. સારી વાત એ છે કે આ કોઈ મોટી ઈજા નથી અને તેના માટે સર્જરીની જરૂર પડશે નહીં.
BCCIની મેડિકલ ટીમ હાલમાં તેના સ્કેન રિપોર્ટની રાહ જોઈ રહી છે.’ 31 વર્ષનો આ ફાસ્ટ બોલર BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં પોતાનું રિહેબિલિટેશન શરૂ કરે તેવી અપેક્ષા છે.