ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચ સિડનીમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં 2-1થી પાછળ છે. હવે સિડની ટેસ્ટના પહેલા દિવસે પણ ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ખરાબ શરૂઆત થઈ છે. ટીમ ઈન્ડિયા પહેલા દિવસે 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર છે ત્યારે તેનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ તેની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ સિરીઝમાં બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
ખાસ રેકોર્ડ બનાવવાની નજીક છે બુમરાહ
જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ આ સિરીઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ છે. મેલબોર્ન ટેસ્ટ સુધી બુમરાહે આ સિરીઝમાં 30 વિકેટ લીધી હતી. સિડની ટેસ્ટના પહેલા દિવસના અંત સુધીમાં બુમરાહે એક વિકેટ લીધી હતી. હવે આ સિરીઝમાં બુમરાહના નામે 31 વિકેટ છે. હવે બુમરાહ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બનવાથી માત્ર 2 વિકેટ દૂર છે.
નંબર વન હરભજન સિંહનું નામ
આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહનું નામ પ્રથમ નંબર પર છે. હરભજને 2000/01માં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 3 મેચો દરમિયાન 178.3 ઓવરમાં 545 રન આપીને 32 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 84 રનમાં 8 વિકેટ ઝડપી રહ્યું હતું.
હવે બુમરાહ આ રેકોર્ડ તોડવાથી 2 વિકેટ દૂર છે. હવે સિડની ટેસ્ટના બીજા દિવસે બધાની નજર બુમરાહ પર ટકેલી છે. આ સિવાય આ લિસ્ટમાં ત્રીજા સ્થાને પૂર્વ સ્પિન બોલર આર અશ્વિનનું નામ છે, જેણે વર્ષ 2012/13માં 4 મેચમાં 29 વિકેટ ઝડપી હતી.
રોહિતની જગ્યાએ ગિલને મળી તક
સિડની ટેસ્ટ માટે રોહિતના સ્થાને ભારતીય ટીમમાં શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી મેચમાંથી બહાર થયેલો રાઈટહેન્ડ બેટ્સમેન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો જ્યારે કેએલ રાહુલ ફરીથી યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. ભારતને મેચ માટે બોલિંગ યુનિટમાં વધુ એક ફેરફાર કરવાની ફરજ પડી હતી. ફાસ્ટ બોલર આકાશ દીપ પીઠની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. તેના સ્થાને સિરીઝની પોતાની પ્રથમ મેચ રમી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો હતો.