ગુજરાતની રાજનીતિમાં ફરી તણાવનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના કથિત ગેરકાયદે નેટવર્કને લઈને રાજ્ય સરકાર પર સીધી કાર્યવાહીની માંગ ઉઠાવી છે. તેમણે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ મુદ્દે જવાબદાર ઠેરવીને તેમના રાજીનામાની ખુલ્લી માગ કરી.
પ્રેસ કોન્ફરન્સમાં મેવાણીએ દાવો કર્યો કે રાજ્યના 33 જિલ્લાઓ અને 250થી વધુ તાલુકાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંગઠિત માળખામાં ચાલી રહી છે અને પોલીસ-સરકારી સંસ્થાઓની નિષ્ક્રિયતા તેને પ્રોત્સાહિત કરી રહી છે.
તેમણે જણાવ્યું કે દરિયાકાંઠા પરથી ઝડપાયેલા ડ્રગ્સનો ₹64,000 કરોડનો આંકડો બહુ ઓછો છે અને વાસ્તવિક પ્રમાણ ઘણી ગણું વધારે હોઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, “રાજ્યમાં કોઈ પ્રભાવી મંત્રી સીધી કે આડકતરી રીતે આ કાળા ધંધામાં સામેલ છે,” જેને તેમણે ‘ગુજરાતનો ગદ્દાર’ ગણાવ્યો.
મેવાણીએ CM ભૂપેન્દ્ર પટેલની મૌન ભૂમિકાને પણ પ્રશ્નમાં મૂકતા કહ્યું કે “મુખ્યમંત્રીને સમગ્ર પરિસ્થિતિ દેખાતી નથી કે પછી તેઓ કાળજી લેતા નથી?” તેમણે પડકાર આપ્યો કે હર્ષ સંઘવી અને CM પોતાના વિધાનસભા ક્ષેત્રોમાંથી ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડા બંધ કરાવી બતાવે તો જ સરકારની ઇચ્છાશક્તિ સાબિત થઈ શકે.
યુવાનોમાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ હોવાનો ગંભીર આરોપ લગાવતા મેવાણીએ જણાવ્યું કે શાળા-કૉલેજો અને હોસ્ટેલોમાં નશો સહેલાઈથી મળી રહે છે.
આ મુદ્દે કોંગ્રેસ ટૂંક સમયમાં હેલ્પલાઇન શરૂ કરશે, જ્યાં નાગરિકો ગેરકાયદે પ્રવૃત્તિઓની માહિતી અથવા વીડિયો શેર કરી શકશે.
મેવાણીએ ચેતવણી આપી કે આવી માહિતી બહાર લાવનાર નાગરિકોને કોઈ ટાર્ગેટ કરશે તો કોંગ્રેસ તેના વિરોધમાં કડક પગલા લેશે.


Leave a Comment