Kadi Suicide Case : કડીમાં આપઘાતના બનાવથી ખળભળાટ;દરવાજો તોડ્યો ત્યારે યુવતી લટકતી મળી

કડીના કરણનગર રોડ પર આવેલી ઓમકાર સોસાયટીમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં રહેતી પાયલ સતિષભાઈ ગૌસ્વામીએ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ પાયલબેન ઘરમાં એકલા હતા ત્યારે તેમણે પોતાના નિવાસસ્થાનના ઉપરના માળે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાધો હતો.
આ ઘટના ક્યારે બની તે અંગે ચોક્કસ સમયની માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ પરિવારજનો ઘરે પાછા આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાનું જણાયું હતું.
શંકા જતા દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો
પરિવારજનોએ અનેક વાર દરવાજો ખખડાવ્યો છતાં પ્રતિસાદ ન મળતાં શંકા જતા તેમણે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર પ્રવેશતા જ પાયલબેન ગળે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. તરત જ તેમને કડી-કુંડાળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ પાયલબેનને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ મથકના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
આપઘાતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી
પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે કૌટુંબીક તણાવ અંગેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હાલ પોલીસે પરિવારજનના નિવેદનો લઈ આપઘાતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે.
આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સોસાયટીના રહેવાસીઓએ પણ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.