ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં થયેલા CCC પરીક્ષાના કૌભાંડ મુદ્દે સિસ્ટમ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતાં કેયૂર શાહને સસ્પેન્ડ કરાયા છે. આ અધિકારીના આઈટી હેડ તરીકેના સમયગાળામાં CCC પરીક્ષામાં કૌભાંડ આચરાયુ હોવાની ફરિયાદો ઊઠી હતી.
તપાસ બાદ કમિટી દ્વારા રજૂ કરેલા અહેવાલના આધારે યુનિ.એ અધિકારીને ફરજ મોકૂફ કરી આગળ ખાતાકીય તપાસ શરૂ કરવા નિર્ણય જાહેર કર્યો છે.સરકારી કર્મચારીઓ માટેની ટ્રિપલ સીની પરીક્ષા લેવાની જવાબદારી ગુજરાત ટેકનોલોજિકલ યુનિ.ને સોંપાઈ હતી. વર્ષ 2018માં લેવાયેલી પરીક્ષા બાદ પરિણામ જાહેર કરાયું ત્યારે કેટલાક ઉમેદવારના માર્કસમાં ફેરફાર જોવા મળ્યો હતો. જે તે સમયે પરીક્ષાના કો-ઓર્ડિનેટર મહેશ પંચાલે આ મુદ્દે સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી. એ પછી કમિટીએ યુનિ.ની બીઓજીમાં રિપોર્ટ જમા કરાવ્યો હતો. 39 ઉમેદવારોના માર્કસમાં ફેરફાર કરાયાના પુરાવા પણ રજૂ કર્યા હતા.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીપેરી કોલેજ ન છોડવા તાકીદ
ફરજ મોકુકી દરમિયાન કેયુર શાહે જીપેરી, મહેસાણા ખાતે હાજર રહેવાનું રહેશે. આ દરમિયાન તેઓ કોઇ ખાનગી નોકરી કે વ્યાપાર-ધંધામાં રોકાયેલા નથી તેનું લેખિત પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ નિયંત્રક અધિકારીને લેખિત મંજુરી વગર મુખ્યમથક છોડી શકશે નહી તેવી તાકીદ પણ કરાઈ છે. વધુમાં યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ 14-10-2013થી 15-11-2022 સુધી ઇન્ચાર્જ આઇટી સેક્શન તરીકે ફરજ બજાવતાં હતા તે દરમિયાન ટ્રિપલ સી પરીક્ષામાં માર્કસ સુધારવા કરાયેલી ગેરરીતિ બદલ 18 નવેમ્બર, 2024થી ફરજ મોકુકી હેઠળ મુકી ખાતાકીય તપાસ કરવા નિર્ણય કરાયો છે.
Source link