Surendranagar : રાજકોટ-લીંબડી નેશનલ હાઇવે પર પશુ આહારની આડમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો LCBની ટીમે ઝડપી પાડ્યો છે. આ કામગીરીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
બાતમીના આધારે વોચ અને ઓપરેશન
LCBના પીઆઇ જે.જે. જાડેજા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇશર ટ્રકમાં પશુ આહારના કટ્ટાની નીચે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે બલદાણા ગામના પાટિયા પાસે આવેલી ગેલોપ્સ હોટલ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ આઇશર ગાડી આવતા જ પોલીસે તેને આંતરીને તલાસી લીધી હતી.
પશુ આહારની નીચે છુપાવેલી 7781 બોટલો
જ્યારે પોલીસે ગાડીની તપાસ કરી ત્યારે ઉપરના ભાગે પશુ આહારના કટ્ટા ભરેલા હતા, પરંતુ તેની નીચે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 7781 બોટલો અને 92 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, માત્ર દારૂના જથ્થાની કિંમત જ ₹87.44 લાખ થાય છે. આ ઉપરાંત આઇશર ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹97.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના શખ્સની ધરપકડ
પોલીસે આ મામલે ટ્રક ચાલક અચલારામ સીયાગ (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. જોકે, આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂનો જથ્થો વઢવાણ પોલીસ મથકની હદમાંથી ઝડપાયો છે.


Leave a Comment