પ્રાકૃતિક ખેતી આજના સમયમાં માત્ર ઉપજ મેળવવાનો માર્ગ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ અને માનવ આરોગ્ય બંને માટે આશીર્વાદરૂપ છે. રાસાયણિક ખાતરો અને જીવાત નાશકથી દૂર રહીને કુદરતી પદ્ધતિઓથી ખેતી કરવામાં આવે, તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને ઉત્પાદન પણ ગુણવત્તાસભર મળે છે. આવી જ એક ઉત્તમ પદ્ધતિ છે, પ્રાકૃતિક રીતે પાલક ઉગાડવાની.
- પાલક એક પૌષ્ટિક શાકભાજી
પાલક એક પૌષ્ટિક શાકભાજી છે, જેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન A,વિટામિન C અને ફાઇબર જેવા તત્ત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે. આ કારણે તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો પાલકની ખેતી પ્રાકૃતિક રીતે કરવામાં આવે, તો તે વધુ સ્વાદિષ્ટ, તાજી અને આરોગ્યપ્રદ બને છે.
- પાલક ઉગાડવા માટે કેવી જમીન જોઈએ?
પાલક ઉગાડવા માટે મધ્યમથી ભારે ઢેફાંવાળી જમીન યોગ્ય રહે છે. આવી જમીનમાં પાણીનો નિકાસ સારી રીતે થઈ શકે છે, જે છોડના મૂળને સડવાથી બચાવે છે. ખેતર તૈયાર કરતાં પહેલાં રાસાયણિક ખાતરોના ઉપયોગને ટાળવો અને તેના બદલે સડી ગયેલું ગોબર ખાતર અથવા વર્મી-કમ્પોસ્ટ ઉમેરવું જોઈએ. જમીન ભેજવાળી હોવી જરૂરી છે જેથી બીજ ઝડપથી અંકુરિત થાય.
- પાલકની વાવણી ક્યારે કરી શકાય?
પાલકની વાવણી વર્ષ દરમિયાન ત્રણેય સીઝનમાં કરી શકાય છે, ખરિફ, રવિ અને ઉનાળામાં. જો વિસ્તાર ગરમ હોય તો ઉનાળામાં મલ્ચિંગનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે, કારણ કે તે જમીનમાં ભેજ જાળવે છે અને તાપમાનનું સંતુલન રાખે છે. બીજ વાવણી કરતાં પહેલાં તેને 6થી 8 કલાક સુધી ગોળના પાણી કે જીવામૃતમાં ભીંજવવાથી અંકુરણ ઝડપી થાય છે.
વાવણી પછી જમીન પર સુકી પાંદડીઓ કે ઘાસ નાખવાથી ભેજ જળવાય રહે છે. અંકુરણ થયા બાદ નિયમિત રીતે હળવી સિંચાઈ આપવી જરૂરી છે. વધુ પાણી આપવાથી મૂળને નુકસાન થાય છે, તેથી જમીન ભીની રહે એટલું જ પાણી પૂરતું છે. શિયાળામાં બપોરના સમયે સિંચાઈ કરવી વધુ યોગ્ય રહે છે.
- જીવાતો કે રોગનો ઉપદ્રવ દેખાય તો શું કરવું?
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત જેવા જૈવિક ઉપચાર છોડની વૃદ્ધિ માટે ઉત્તમ છે. દર પંદર દિવસે જીવામૃત છોડની આજુબાજુ રેડવાથી તેની વૃદ્ધિમાં તેજી આવે છે અને પાંદડીઓ વધુ તાજી રહે છે. જો જીવાતો કે રોગનો ઉપદ્રવ દેખાય તો લીમડાના અર્કનો છંટકાવ, ધતુરાની પાંદડીઓનો કઢો અથવા છાશ અને લીમડાના પાંદડાંનું મિશ્રણ છાંટવું અસરકારક ઉપાય છે. આ ઉપાયો સંપૂર્ણ કુદરતી હોવાથી પાંદડીઓમાં ઝેર નહીં રહે.
- કાપણી ક્યારે કરવી?
પાલક વાવ્યા પછી 25થી 30 દિવસમાં પાલક તૈયાર થાય છે. જ્યારે પાંદડીઓ આશરે 8થી 10 ઇંચ ઊંચી થાય ત્યારે કાપણી કરવી યોગ્ય છે. યોગ્ય સંભાળ અને સિંચાઈથી એક જ વાવણીમાંથી ત્રણથી ચાર કાપણીઓ મેળવી શકાય છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી પાલકની ઉપજ આશરે 80થી 100 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે છે, જે ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ હોય છે.
- પ્રાકૃતિક ખેતીના ફાયદા
આ રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા પાલક ઉગાડવાથી ખેડૂતને રાસાયણિક ખર્ચમાં બચત થાય છે, જમીન તંદુરસ્ત રહે છે અને ગ્રાહકોને શુદ્ધ, પૌષ્ટિક ખોરાક મળે છે. આ પદ્ધતિ માત્ર ખેતી નહીં, પરંતુ ટકાઉ જીવન અને પર્યાવરણ સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.



Leave a Comment