ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વર્ષે વર્ષે વધી રહી છે અને હાલ રાજ્યમાં અંદાજે 50 લાખ જેટલા લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે. તબીબોના મતે ચિંતાજનક બાબત એ છે કે ડાયાબિટીસનું નિદાન થવાની સરેરાશ ઉંમર સતત ઘટી રહી છે.
પ્રોફેશનલ તણાવ, લાંબા સમય સુધી બેસી રહેવાની ટેવ, પૂરતી ઊંઘનો અભાવ, ફાસ્ટફૂડનું વધુ સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિ જેવા આધુનિક જીવનશૈલીના કારણે, પહેલાં 40 વર્ષની આસપાસ જોવા મળતો ડાયાબિટીસ હવે 30 વર્ષની ઉંમરે જ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરો ચેતવણી આપે છે કે અનિયંત્રિત બ્લડ શુગર માત્ર પાંચ વર્ષમાં જ હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે.
- શહેરી વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા વધુ
દર વર્ષે 14 નવેમ્બર ‘વિશ્વ ડાયાબિટીસ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 અનુસાર, ગુજરાતમાં 15 વર્ષથી વધુ વયના 16% પુરુષો અને 14.8% મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર વધેલું અથવા અત્યંત વધેલું જોવા મળે છે. સર્વે દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ ગ્રામિણ પ્રદેશોની તુલનામાં ઘણું વધારે છે.
ભારતમાં NFHS મુજબ 101 મિલિયન લોકો ડાયાબિટીસ અને 136 મિલિયન લોકો પ્રી-ડાયાબિટીસની હાલતમાં છે. ગુજરાતમાં ડાયાબિટીસનો વ્યાપ 9-10% છે, જ્યારે અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં આ દર 12% સુધી પહોંચી ગયો છે.
- 70% દર્દીઓમાં બ્લડ શુગર અનિયંત્રિત
એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. રમેશ ગોયલ કહે છે કે ડાયાબિટીસના લગભગ 70 ટકા દર્દીઓમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહેતું નથી, જેના કારણે હૃદય અને અન્ય નોન-કમ્યુનિકેબલ બીમારીઓનો ખતરો ભારે વધી જાય છે. તેઓ જણાવે છે કે યોગ્ય માર્ગદર્શન સાથે સમયસર નિદાન, શરીરચર્ચા, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, વજનનું નિયંત્રણ અને નિયમિત હેલ્થ ચેક-અપ ડાયાબિટીસની સ્થિતિને ખૂબ હદ સુધી કાબૂમાં રાખી શકે છે.
- આંખોની તપાસનો મહત્વપૂર્ણ સંદેશ
ડૉક્ટરો જણાવે છે કે ડાયાબિટીસનું સૌથી પહેલું અસરકારક લક્ષણ આંખોમાં જોવા મળે છે. ભલે વ્યક્તિને ડાયાબિટીસ હોય કે ન હોય, 40 વર્ષની ઉંમર બાદ નિયમિત રીતે આંખોની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. ડાયાબિટીક દર્દીઓમાં આંખની નસોને નુકસાન થવાનું પ્રમાણ ખૂબ ઊંચું હોવાથી સમયસરની ચકાસણી દ્રષ્ટિ બચાવવા માટે મહત્વપૂર્ણ છે.
- ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસના કેસોમાં વધારો
તબીબોના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન થતો ‘ગેસ્ટેશનલ ડાયાબિટીસ’ હવે 10% સુધી વધી ગયો છે. ગર્ભાવસ્થા દરમિયાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક વધે ત્યારે આ પ્રકારનો ડાયાબિટીસ જોવા મળે છે, જેને ખૂબ સાવધાનીપૂર્વક નિયંત્રિત કરવાની જરૂર રહે છે.
- ડાયાબિટીસની ઓળખ કેવી રીતે થાય?
– ડોક્ટરો HbA1c ટેસ્ટને સૌથી વિશ્વસનીય માપદંડ ગણાવે છે.
– HbA1c 5.7% કરતાં ઓછું → નોર્મલ
– 5.7% થી 6.4% → પ્રી-ડાયાબિટીસ
– 6.5% થી વધુ → ડાયાબિટીસ
- આજનો જાગૃતિ અભિયાન
અમદાવાદમાં આજે (14 નવેમ્બર) સૌથી વધારે અવરજવરવાળા 100 સ્થળોએ AMC અને AMA દ્વારા વિશાળ જાગૃતિ અભિયાન યોજાશે. આ અભિયાનમાં મફત બ્લડ શુગર ચકાસણી, બ્લડ પ્રેશર ચેક-અપ, ફિટનેસ વર્કશોપ અને સ્વાસ્થ્ય અંગેની માર્ગદર્શન સેવાઓ આપવામાં આવશે.
આ પ્રયત્નો રાજ્યમાં વધતા ડાયાબિટીસના ભારને નિયંત્રિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે, જેથી લોકો જીવનશૈલીમાં સુધારો કરી સ્વસ્થ જીવન જીવી શકે.



Leave a Comment