WHOની ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 મુજબ, વર્ષ 2024 દરમિયાન દુનિયામાં સૌથી વધુ ટીબીના કેસ ભારતમાં નોંધાયા હતા, પરંતુ રાહતની વાત એ છે કે નવા ટીબીના કેસ અને મોતના દરમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2015ની સરખામણીએ ભારતમાં નવા ટીબી કેસોમાં 21%નો ઘટાડો અને મોતના દરમાં 25%નો ઘટાડો થયો છે.
- ટીબી શું છે?
ટ્યુબરક્યુલોસિસ અથવા ટીબી એક ચેપજન્ય બીમારી છે. આ બીમારી માયકો ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. સામાન્ય રીતે ટીબી ફેફસાંને અસર કરે છે, પરંતુ તે હાડકાં, મગજ , કિડની અને કરોડરજ્જુને પણ અસર કરી શકે છે.
આ બીમારી હવામાં ફેલાય છે, એટલે કે સંક્રમિત વ્યક્તિ ખાંસી કે છીંક લે છે ત્યારે તેના થૂંકના અણુઓ હવામાં ફેલાય છે અને અન્ય વ્યક્તિને ચેપ લાગે છે. ટીબી થવા પર સતત ખાંસી રહેવી, થૂંકમાં લોહી આવવું, તાવ આવવો, વજન ઘટવું જેવા લક્ષણો દેખાય છે. આ ગંભીર બીમારી છે, પરંતુ જો યોગ્ય સમયે સારવાર શરૂ કરવામાં આવે, તો દર્દી સંપૂર્ણ રીતે સાજો થઈ શકે છે.
- WHO મુજબ ભારતની હાલની પરિસ્થિતિ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગ્લોબલ ટ્યુબરક્યુલોસિસ રિપોર્ટ 2025 અનુસાર, વર્ષ 2024માં દુનિયામાં સૌથી વધુ ટીબીના કેસ ભારતમાં નોંધાયા હતા, પરંતુ સારા સમાચાર એ છે કે, નવા કેસ અને મોતના દર બંનેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સરકારની સારી નીતિઓ, યોગ્ય સારવાર અને લોકોમાં વધતી જાગૃતિને કારણે દેશમાં ટીબીના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2015માં ભારતમાં દર એક લાખ જનસંખ્યામાં 237 નવા ટીબીના કેસ આવતા હતા, જ્યારે 2024માં આ આંકડો ઘટીને 187 પ્રતિ લાખ રહ્યો. સરળ ભાષામાં કહીએ તો, નવા ટીબી કેસોમાં લગભગ 21% નો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સરેરાશ 12% કરતાં ઘણો વધુ છે. જોકે હજુ પણ ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યા કરોડોમાં છે.
- દુનિયાભરના આંકડા
WHO રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં ટીબીના સૌથી વધુ 34% દર્દીઓ દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારમાં હતા, 27% પશ્ચિમ વિસ્તારમાં અને 25% આફ્રિકા વિસ્તારમાં નોંધાયા છે. ભારત દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં આવે છે. અમેરિકામાં ગયા વર્ષે માત્ર 3.3% ટીબીના કેસ નોંધાયા,
જ્યારે યુરોપમાં આ આંકડો માત્ર 1.9% રહ્યો. દુનિયાના કુલ 87% ટીબીના કેસ માત્ર 30 દેશોમાં નોંધાયા, જેમાંથી સૌથી વધુ 25% ભારતમાં, 10% ઈન્ડોનેશિયામાં, 6.8% ફિલીપીન્સમાં, 6.5% ચીનમાં અને 6.3% પાકિસ્તાનમાં જોવા મળ્યા.
- ભારત સરકારની સિદ્ધિ
ભારત સરકારના આંકડા મુજબ, વર્ષ 2024માં દેશમાં ટીબીની સારવાર કવરેજ 92% સુધી પહોંચી ગઈ છે, જ્યારે 2015માં તે માત્ર 53% હતી. હવે લગભગ બધા ટીબીના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી છે. વર્ષ 2024માં કુલ 26.18 લાખ દર્દીઓને સારવાર મળી.
આ ભારતના ટીબી નાબૂદી મિશન માટે એક મોટી સિદ્ધિ ગણાય છે. મોતના દરની વાત કરીએ તો, વર્ષ 2015માં દર એક લાખ જનસંખ્યામાં ટીબીના કારણે 28 લોકોના મોત થતા હતા, જ્યારે 2024માં આ આંકડો ઘટીને 21 પ્રતિ લાખ રહ્યો. આ દર્શાવે છે કે હવે મોતના કેસોમાં ઘટાડો થયો છે અને સારવારના પરિણામો વધુ સારા થઈ રહ્યા છે.



Leave a Comment