લોકગાયિકા મીરા આહીરને રાજકોટ સિવિલમાં થયો કડવો અનુભવ, સ્ટાફે ફાઇલ છૂટ્ટી મારી

લોકગાયિકા મીરા આહિરે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે સ્ટાફની બેદરકારી અને ખોટા વર્તન અંગે આક્ષેપ કરી જણાવ્યું કે તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા બાદ પણ 45 મિનિટ સુધી કોઇએ કેસ નોંધ્યો નહીં. તેમણે એ પણ કહ્યું કે સ્ટાફે તેમની સાથે અપમાન જનક ભાષામાં વાત કરી હતી અને કેસ ફાઇલને જમીન પર ફેંકી દીધી હતી.
આ ઘટનાને લઈ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને તપાસ કરવાની માંગ ઉઠી છે. આ અંગે મીરા આહિરે એક વીડિયો પણ બનાવ્યો છે, જેમાં તેમણે સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો છે.
તેમના કહેવા મુજબ, જ્યારે તેઓ તેમના ભાઈને ઈમરજન્સી વિભાગમાં લઈ ગયા, ત્યારે લગભગ પોણો કલાક સુધી કોઈ જવાબદારી લીધા વિના સમય વીત્યો. વીડિયો વાયરલ થતાં લોકોને ગંભીરતા સાથે આ બાબતનો સંજોગ સમજાવવાની જરૂર જણાઈ છે.
દર્દીનું ધ્યાન રાખવામાં પણ કોઈ તાકીદ દર્શાવાઈ નહોતી
વીડિયો દ્વારા મીરા આહિરે ઈમરજન્સી વિભાગના ડોક્ટરો અને હાજર સ્ટાફ સામે ગેરવર્તન અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે તેમણે કેસ અંગે પુછપરછ કરી ત્યારે ફાઈલને ફેંકી દેવામાં આવી.
તેમજ દર્દીનું ધ્યાન રાખવામાં પણ કોઈ તાકીદ દર્શાવાઈ નહોતી. તેમણે તંત્ર પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ફરી એકવાર સવાલો ઊભા કરે છે.
અગાઉ પણ લોકસાહિત્યકાર હકાભા ગઢવી એવા જ કડવા અનુભવનો વીડિયો શેર કરી ચૂક્યા છે, જેમાં તેમણે સ્ટાફની લાપરવાહી અને દર્દીઓ સાથેના દુર્વ્યવહાર અંગે કડક ટિપ્પણીઓ કરી હતી. ત્યારે સતત આવતી ફરિયાદો વચ્ચે હોસ્પિટલ તંત્રએ આ રીતે વ્યવહાર કરવો કેટલો યોગ્ય છે તે ચર્ચાનો વિષય બન્યો છે.