અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કિયા કારના શોરૂમના પાર્કિંગમાં આજે (11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલી ગાડીઓ એક પછી એક આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાના સમયે કાળા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાતા હોવાથી આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સેવાઓની ત્રણ ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ
પ્રાથમિક માહિતી મુજબ આ આગમાં 10થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ છે. જેના કારણે મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હાલ ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. શક્ય છે કે શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેકનિકલ કારણોસર આગ લાગી હોય, પરંતુ સત્તાવાર કારણ તપાસ પછી જ સ્પષ્ટ થશે.


Leave a Comment