થલાપતિ વિજયની બહુચર્ચિત ફિલ્મ ‘જન નાયકન’ ની રિલીઝને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સીધો હસ્તક્ષેપ કરવાની સ્પષ્ટ મનાઈ કરી છે અને ફિલ્મના પ્રોડ્યુસર્સને મદ્રાસ હાઇકોર્ટનો દરવાજો ખખડાવવા કહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ડિવિઝન બેંચને 20 જાન્યુઆરી સુધીમાં આ કેસ પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે.
KVN પ્રોડક્શન્સ તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહિતગીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફિલ્મ અટકવાને કારણે પ્રોડ્યુસર્સને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે અપીલ કરી હતી કે હાઇકોર્ટને તાત્કાલિક, એક-બે દિવસમાં ચુકાદો આપવા સૂચના આપવામાં આવે. નિર્માતાઓએ કોર્ટમાં ભાવુક રીતે જણાવ્યું કે, ફિલ્મ રોકાઈ જવાથી તેઓ સંપૂર્ણ રીતે બરબાદ થવાની કગાર પર છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે સમગ્ર મામલો મદ્રાસ હાઇકોર્ટ પર નિર્ભર બની ગયો છે. સેન્સર બોર્ડ (CBFC)ના એક સભ્ય દ્વારા ફિલ્મના કેટલાક દ્રશ્યો પર વાંધો ઉઠાવવામાં આવતા વિવાદ શરૂ થયો હતો, જેના કારણે ફિલ્મને હજુ સુધી સર્ટિફિકેટ મળી શક્યું નથી.
‘જન નાયકન’ 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી અને એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું. રિલીઝમાં વિલંબના કારણે ડિસ્ટ્રિબ્યુટર્સ અને મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.
આ ફિલ્મ થલાપતિ વિજયની રાજકારણમાં પ્રવેશ પહેલાંની છેલ્લી ફિલ્મ હોવાથી ફેન્સમાં ખાસ ઉત્સાહ જોવા મળતો હતો. પેન ઇન્ડિયા ફિલ્મ ‘જન નાયકન’માં પૂજા હેગડે અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. હવે સૌની નજર 20 જાન્યુઆરીના હાઇકોર્ટના નિર્ણય પર ટકેલી છે.


Leave a Comment