GUJARAT

Patan: બાળ તસ્કરી કેસમાં મોટા ઘટસ્ફોટના એંધાણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં તબીબ બનીને પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા સુરેશ પાંચાજી ઠાકોર વિરુદ્ધ નકલી તબીબી પ્રેક્ટિસ કરવાના મામલે કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પાટણ જિલ્લા એસઓજી પોલીસે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બાળકોની તસ્કરી અને છેતરપિંડીની ફરિયાદના સંદર્ભે આરોપી સુરેશ પાંચાજી ઠાકોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસ દ્વારા આ બંને ફરિયાદો સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં નકલી તબીબી પ્રેક્ટિસ કરવા મામલે અગાઉ આ ઉઘાડ પગા સુરેશ પાંચાજી ઠાકોરને દવાઓ પૂરી પાડનાર મેડિકલ એજન્સીઓના સંચાલકોને બોલાવી જરૂરી વિગતો એકઠી કરવા સહિતની કાર્યવાહી તેમજ તે કેસ સંદર્ભે રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરી આરોપીને કોર્ટના આદેશ મુજબ જેલમાં ધકેલ્યા બાદ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પાટણના નીરવ મોદી નામના યુવકે નોંધાવેલી છેતરપિંડી અને બાળકોની તસ્કરીની ફરિયાદ સંદર્ભે સુરેશ પાંચાજી ઠાકોર રહે કોરડાવાળાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરવા અને તેના રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બાળક ક્યાં છે તેનું રહસ્ય હજુ ઘેરાયેલું : પોલીસની દોડધામ

જે બાળકને દત્તક આપવાના બહાને તસ્કરીનો ખેલ રચાયો હતો તે બાળકને સુરેશ પાંચાજી ઠાકોરે પરત લીધા બાદ તે બાળકનું શું કર્યું ? કોઈ અન્યને આપી દીધું કે બાળક જીવિત પણ છે કે નહીં તે વિશે રહસ્ય હજુ ઘેરાયેલું છે જોકે પોલીસ બાળકની સ્થિતિ જાણવા આરોપીની સઘન પૂછપરછ કરીને પુરાવા એકત્રિત કરવા માટે ભારે મથામણ કરી રહી છે.

1 મહિલા અને 2 પુરુષની સઘન પૂછપરછ

નવજાત બાળકોની તસ્કરી કરવા મામલે નોંધાયેલી ફરિયાદ અન્વયે તપાસ કરવામાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની આગેવાનીમાં પોલીસ એડીચોટી નું જોર લગાવી રહી છે. આરોપી સુરેશ ઠાકોર સાથે બાળકોની લે વેચ કરવામાં અને ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવામાં કોણ કોણ સામેલ હતા તેની પણ તપાસ લંબાવવામાં આવી રહી છે જે સંદર્ભે બુધવારે એક મહિલા અને બે પુરુષોને એસ ઓ જી પોલીસ મથકે લાવી તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ તપાસના ચક્રો ગતિમાન થતા તમામ ઉઘાડ પગા તબીબો ભૂગર્ભમાં ઉતરી ગયા

છેલ્લા બે દિવસથી પાટણ જિલ્લા એસઓજી પોલીસ નકલી તબીબો મામલે તપાસ કરી રહી છે જેને લઈને પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ગરજનો ગેરલાભ ઉઠાવી હજારો લાખો રૂપિયાનો તબીબી ધંધો ચલાવતા ઉઘાડ પગા તબીબો પોલીસની બીકે ભૂગર્ભમાં ઊતરી ગયા છે જેને કારણે હવે દર્દીઓ ખરેખર સાચા ડિગ્રી વાળા અને સાચી સારવાર કરતા તબીબોના દવાખાને પહોંચતા થઈ ગયા છે.

તપાસને લઈ કેમિસ્ટ એસો.ને ડહાપણ સુજ્યું

ઉઘાડ પગા સુરેશ ઠાકોરને દવાઓનું વિતરણ કરતી અનેક મેડિકલ એજન્સીઓએ દવાઓનો જથ્થો પૂરો પાડયો હતો તે પહેલા સુરેશ ઠાકોર ખરેખર તબીબ છે કે નહીં તેની ચકાસણી કરી હતી કે નહીં તે તો પોલીસ તપાસમાં જ સામે આવશે પરંતુ હવે આ આખો મામલો બહાર આવતા અને પોલીસે કેટલીક મેડિકલ એજન્સીઓના સંચાલકોને તપાસ માટે બોલાવતા આખરે કેમિસ્ટ એસોસિએશન સફળું જાગ્યું છે. ત્યારે હવે તપાસને લઈ કેમિસ્ટ એસોસિએશનને હવે ડહાપણ સુજ્યું છે.

બાળ તસ્કરીના ગુનાની ગંભીરતાને જોતા પોલીસ 10 દિવસથી વધુના રિમાન્ડ મેળવવા પ્રયાસ કરશે

પાટણ જિલ્લા પોલીસ બાળકોની તસ્કરીના મામલે ખૂબ જ ચીવટતા અને સંવેદનશીલતા સાથે તપાસ કરી રહી છે અને આ મામલાની ગંભીરતાને જોતા પાટણ પોલીસ આરોપી સુરેશ પાંચાજી ઠાકોરને કોર્ટ સમક્ષ રજૂ કરી 10 દિવસથી વધુ ના સમયગાળાના રિમાન્ડની માંગણી કરી શકે છે જોકે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button