શિયાળામાં આ 5 શાકભાજીને બનાવો તમારી ડાયટનો ભાગ ; આંતરડાની સફાઈ માટે આટલું કરો

હવામાન બદલાતા જ અનેક બીમારીઓનું જોખમ વધે છે. હવે શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. આ સીઝનમાં લોકો પાણી ઓછું પીવે છે અને ખાવા-પીવાની રીત પણ બદલાય જાય છે. ઘણા લોકોને લાગે છે કે દૈનિક થાકને કારણે તેમનું શરીર ભારે લાગે છે,
ત્વચા નિર્જીવ લાગે છે અને પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી. જેના કારણે આંતરડામાં વેસ્ટ અટકી જાય છે અને સડવા લાગે છે. એવામાં લોકો વિટામિનની ગોળીઓ, પ્રોટીન પાઉડર અથવા વિવિધ ડિટોક્સ પીણાં લે છે, પરંતુ તેનાથી ખાસ ફાયદો થતો નથી.
- નિષ્ણાતની સલાહ
AIIMS, હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી તાલીમ પામેલા નિષ્ણાતોની સલાહ મુજબ તંદુરસ્ત અને ફિટ રહેવા માટે લાઇફસ્ટાઇલ સાથે ખોરાકનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો શરીરને ઉર્જાવાન રાખવું હોય, તો તેના મૂળ એટલે કે આંતરડાંની તંદુરસ્તી પર ધ્યાન આપવું પડશે.
એક્સપર્ટ મુજબ, જો આંતરડાં સ્વચ્છ રહે તો શરીર સક્રિય રહે છે અને થાક જેવી સમસ્યાથી મુક્તિ મળે છે. જાણી લો એવા શાકભાજી જેને ખાવાથી આંતરડાં સ્વસ્થ રહે છે અને શરીર એનર્જેટિક રહે છે.
- બીટ
લાલ રંગનું બીટ માત્ર સલાડ માટે જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયક છે. તેમાં બીટેન અને નાઇટ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે રક્તપ્રવાહને સુધારે છે અને લિવરની કાર્યક્ષમતા વધારે છે. નિયમિત સેવનથી પાચનક્રિયા સુધરે છે, શરીર તાજગી અનુભવેછે અને ત્વચા પણ ગ્લોઇંગ દેખાય છે.
- લીલા શાકભાજી
પાલક અને મેથી જેવી લીલી શાકભાજીઓ મેગ્નેશિયમ, ફોલેટ અને પ્રીબાયોટિક ફાઇબરથી સમૃદ્ધ હોય છે. આ પોષક તત્ત્વો આંતરડાનામાં બેક્ટેરિયાનું સંતુલન જાળવવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. આ લીલી શાકભાજી ખાવાથી ત્વચા અને વાળ બંનેને ફાયદો થાય છે.
- ગાજર
ગાજર બીટા-કેરોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેમાં રહેલ કેરોટિનોઇડ્સ શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે, જે આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
- શક્કરિયા
શક્કરિયામાં રહેલી કુદરતી મીઠાશ અને ફાઇબર પાચનક્રિયાને સુધારે છે અને પેટને હળવું રાખે છે. તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને પોષણ આપે છે, જેના કારણે આંતરડાં સ્વસ્થ રહે છે.
- કારેલું
કારેલું શરીરના મેટાબોલિઝમને સુધારે છે અને સોજો ઘટાડે છે. તે લિવર સેલ્સ બનવામાં મદદ કરે છે. ઉપરાંત, પાચનતંત્રમાં લાભકારી એન્ઝાઇમને સક્રિય કરે છે, જે પાચન સુધારવામાં મદદરૂપ છે.
- શરીરના સ્વાસ્થ્ય માટે આટલું કરો
જો તમે શિયાળામાં તંદુરસ્ત રહેવા અને આંતરડાંની સ્વચ્છતા જાળવવા માંગો છો તો લીલા શાકભાજી, ગાજર, શક્કરિયા અને કારેલું વગેરે રોજના ખોરાકમાં સમાવેશ કરો. આ માત્ર આંતરડાંને નહીં, પરંતુ ત્વચા, લિવર અને આખા શરીરના આરોગ્ય માટે ફાયદાકારક છે.
 
				


