શહેરના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલર સાથે બસની ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બસ રોડની બાજુના ખાડામાં ખાબકી જતાં હોર્ડિંગ સાથે અથડાઈ હતી.
- વધુ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો
પોલીસ સૂત્રો અનુસાર, બસ ડ્રાઇવર કથિત રીતે વધુ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો અને અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન રોડ પર અચાનક દેખાયેલા બમ્પથી બચવા તેણે અચાનક બ્રેક મારી દીધી હતી. પાછળથી આવી રહેલા ટ્રેલરના ડ્રાઇવરે સમયસર વાહન રોકી ન શકતાં, તે સીધું બસના પાછળના ભાગે અથડાયું.
- વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા
આ અકસ્માતમાં ટ્રેલરનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના પછી પોલીસે સ્થળ પર પહોંચી તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. બંને વાહનોને ટો કરીને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતના કારણો વધુ પડતી ઝડપ, બેદરકારી કે માર્ગની ખરાબ સ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે.
- રોડના ખાડાઓ બન્યા જીવલેણ જોખમ
ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જતા માર્ગ પર, ખાસ કરીને સીબીડી મોલથી લઈને ડાઉનટાઉન ફૂડ કોર્ટ સુધીનો વિસ્તાર, હવે ‘અકસ્માત ઝોન’ તરીકે ઓળખાય છે. લાંબા સમયથી ખોદાયેલા ખાડાઓને કારણે મોટાં વાહનો માટે ચાલવું જોખમી બન્યું છે. રાત્રિના સમયે દૃશ્યતા ઓછી હોવાને કારણે અકસ્માતની સંભાવના અનેકગણી વધી જાય છે. સ્થાનીકોના જણાવ્યા મુજબ, આ ખાડાઓમાં વાહનો ખાબકતાં ઈજા અને જાનહાનિના બનાવો વારંવાર બને છે.
- ખાડા ખોદવાના હેતુ પર ઉઠ્યા સવાલો
સ્થાનિકોમાં ચર્ચા છે કે સીબીડી મોલથી ડાઉનટાઉન ફૂડ કોર્ટ સુધી ખાડા ખોદવાનો હેતુ ઈરાદાપૂર્વકનો હોઈ શકે છે. કેટલાક લોકોએ આ દાવો કર્યો છે કે ખાડા ખોદી અન્ય ફૂડ કોર્ટ તરફ જતો રસ્તો અવરોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી ગ્રાહકોનો ધસારો માત્ર ડાઉનટાઉન ફૂડ કોર્ટ તરફ જ રહે.
- તંત્રની કામગીરી પર જનતા નારાજ
સ્થાનિક લોકો અને લારીવાળાઓ અનેકવાર રાત્રે ખાડાઓ પૂરી દે છે જેથી અકસ્માત ટાળી શકાય, પરંતુ કોર્પોરેશનના કર્મચારીઓ બીજા જ દિવસે JCB વડે ખાડાઓ ફરી ખોદી નાખે છે. આ પ્રકારની અસમંજસભરી કામગીરીથી નાગરિકોમાં રોષ અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.
આ તાજેતરના અકસ્માતે ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરના રસ્તાઓ પર સલામતી વ્યવસ્થાઓની અવગણના નાગરિકોના જીવન માટે ગંભીર જોખમ બની રહી છે. નાગરિકો હવે તંત્ર પાસે માગણી કરી રહ્યા છે કે ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે અને અકસ્માત નિવારણ માટે કડક પગલાં લેવામાં આવે.



Leave a Comment