અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે પેસેન્જર ભરવાની સામાન્ય બાબતને લઈને વિવાદ થયો હતો. ટ્રાવેલ્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં બે યુવકોએ ધક્કો માર્યો હતો જેના કારણે વૃદ્ધને માથામાં ઇજા થતા મોત થયું હતું.પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- ‘ગુજરાતનો દાદા છું’ કહીને આરોપીઓએ હુમલો કર્યો
મૃતક નાથુસિંહના પુત્ર ભરતસિંહે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, તેમનો ટ્રાવેલ્સ બુકિંગનો બિઝનેસ 30 વર્ષથી ચાલુ છે. આરોપીઓ આર્ટિગા ગાડીમાં પેસેન્જર ભરી રહ્યા હતા, ત્યારે તેમના પિતાએ તેમને આગળ જઈને પેસેન્જર ભરવા માટે કહ્યું હતું. જેના જવાબમાં આરોપીઓએ ઉશ્કેરાઈને કહ્યું કે, હું ગુજરાતનો દાદા છું.
- વૃદ્ધને ગળું પકડી રોડ પર ફેંકી દીધાનો આક્ષેપ
મૃતકના પુત્ર ભરતસિંહે આક્ષેપ કર્યો કે, તેમના પિતાએ આરોપીઓને દુકાનમાં બોલાવ્યા ત્યારે આરોપી રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ તેમની દુકાનમાં આવ્યા હતા. અહીં આરોપીઓએ તેમના પિતાનું ગળું પકડીને તેમને રોડ પર ફેંકી દીધા હતા. આ ગંભીર ઇજાને કારણે નાથુસિંહનું સ્થળ પર જ મોત થયું હતું.
- પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ સ્ટેશનમાં ન્યાય માંગ્યો
આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને સમાજના લોકો ન્યાય માટે મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પુત્ર ભરતસિંહે માંગણી કરી હતી કે આરોપી રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ વિરુદ્ધ સામાન્ય અકસ્માતીય મોતને બદલે હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે.



Leave a Comment