બિકાનેર–જમ્મુ–તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બનેલી કરૂણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગડાસણ ગામના વતની અને દેશની સેવા બજાવતા લશ્કરી જવાન જીજ્ઞેશ ચૌધરીની ટ્રેનમાં કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જીજ્ઞેશ ફિરોઝપુર કેન્ટમાંથી પોતાના વતન તરફ પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
- નાની બોલાચાલી તણાવમાં ફેરવાઈ
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, ટ્રેનના એટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે ચાદર અંગે થયેલી નાની બોલાચાલી તણાવમાં ફેરવાઈ, જેના પરિણામે હત્યાનું રૂપ ધારણ કર્યું. ઝુબેર મેમણને GRP અને RPFની ટીમે ઝડપ્યો છે. ઘટનાક્રમના દૃશ્યો અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ ઝડપી ગતિએ ચાલુ છે.
- પરિવારનો એકમાત્ર કમાવનાર આધાર
આ સમાચાર મોટી ગડાસણ ગામમાં પહોંચતા જ શોક અને આક્રોશનો માહોલ છવાઈ ગયો. ગામના લોકો, સગાં-સંબંધીઓ અને સહકારીઓ આઘાતમાં ગરકાવ છે. જીજ્ઞેશ પોતાના પરિવારનો એકમાત્ર કમાવનાર આધાર હતા, જેના નિધનથી માતા–પિતા અને કુટુંબ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગ્રામજનો અને વિસ્તારના નાગરિકો આરોપી સામે કડક સજાની માંગ કરી રહ્યા છે.



Leave a Comment