ગાંધીનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ માણસા તાલુકાના હરણા હોડા ગામે આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ યુવાન કોન્સ્ટેબલના આત્મહત્યાના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે.
- પત્ની અને બાળકોને સાસરીમાં મૂકી આવ્યા હતા
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ચાવડા તેમના પિતા ઈશ્વરસિંહ સાથે હરણા હાડા ગામમાં રહેતા હતા. નરેન્દ્રસિંહના પરિવારમાં તેમની પત્ની, બે દીકરી અને દોઢ વર્ષનો એક દીકરો છે. ૯ નવેમ્બરના રવિવારે સવારે જ તેઓ પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને ગાંધીનગર ખાતેની પોતાની ફરજ પર ગયા હતા.
- પિતાએ દીકરાને પંખે લટકેલી હાલતમાં જોયો
નરેન્દ્રસિંહ રાત્રે ફરજ પરથી પરત આવ્યા બાદ ઘરે જઈને પિતા ઈશ્વરસિંહ સાથે ભોજન લીધું હતું અને બાદમાં પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આજે (૧૦ નવેમ્બર) સવારે પિતા ઈશ્વરસિંહે પાણી આવ્યું હોવાથી દીકરાને ઉઠાડવા માટે તેના રૂમમાં પ્રવેશ કર્યો હતો. રૂમની અંદરનું દૃશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા હતા કારણ કે નરેન્દ્રસિંહ પંખે લટકેલી હાલતમાં હતા.
- આપઘાતનું કારણ હાલ અકબંધ: માણસા PI
આ કરુણ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. માણસા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનું પંચનામું સહિતની કાનૂની પ્રક્રિયા શરૂ કરી હતી. માણસા પીઆઈ પી. જે. ચુડાસમાએ જણાવ્યું કે, હાલમાં આપઘાતનું કારણ અકબંધ છે. કોન્સ્ટેબલે એકલતાનો લાભ ઉઠાવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.



Leave a Comment