વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પારડી વિસ્તારમાં થયેલા અપહરણ અને લૂંટના બનાવમાં મહત્વનો ભેદ ઉકેલી લીધો છે. મહારાષ્ટ્રના થાણે સ્થિત EPFOમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઓલપાડના રહેવાસી હાર્દિક રામચંદ્રભાઈ પટેલ સાથે થયેલી ઘટનામાં સંડોવાયેલા દિલ્હીની જહરખુરાની ગેંગના સભ્યને જયપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
- રાઈડ શેરિંગ એપ મારફતે સંપર્ક
પોલીસ મુજબ, સપ્ટેમ્બર 2025માં હાર્દિક પટેલ થાણેથી ઓલપાડ જવા પોતાની કારમાં નીકળ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે ‘BLABLA’ રાઈડ શેરિંગ એપ્લિકેશન પર મુસાફરો માટે જગ્યા ઉપલબ્ધ હોવાનું પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટને આધારે રવિ અને જીતેન્દ્ર નામનાં બે વ્યક્તિઓ તેમની કારમાં જોડાયા હતા.
મુસાફરી દરમિયાન ત્રણેયે પારડીના ખડકી હાઈવે પર આવેલા રામદેવ ઢાબા હોટલમાં ભોજન લીધું હતું. અહીં બંને શખ્સોએ હાર્દિકની ચા અથવા કોઈ પીણાંમાં નશાની અસરકારક Cetrizine ટેબ્લેટ ભેળવી હતી, જેના કારણે હાર્દિક બેભાન થઈ ગયા હતા.
- બેહોશીનો લાભ લઈ કાર સહિત અપહરણ
હાર્દિક પટેલ બેભાન થતા જ આરોપીઓ તેમને કારમાં મહારાષ્ટ્રના ગોરેગાંવ તરફ દોડી ગયા. ત્યાં પહોંચીને આરોપીઓએ તેમનો મોબાઇલ ફોન, લેપટોપ, આધાર કાર્ડ, વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડ્સ અને અન્ય કિંમતી વસ્તુઓ કબજે કરી ફરાર થઈ ગયા.
મળેલી માહિતી મુજબ, ચોરાયેલા કાર્ડ્સ દ્વારા એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરથી આશરે 2.59 લાખ રૂપિયાની ઓનલાઈન ખરીદી પણ કરવામાં આવી હતી.
- LCBની સફળ કામગીરી
ઘટનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા ટીમે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને ગુપ્ત સૂત્રોની મદદથી સઘન તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપી અંકુશ મદનલાલ પાલ રાજસ્થાનના જયપુરમાં છુપાયેલો હોવાનું જાણવા મળ્યું. LCBની ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને તેને પકડી પાડ્યો. તેની પાસેથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આવી.
- વેશપલટો કરતો અપરાધી
ઝડપાયેલો અંકુશ પાલ BCA સુધી અભ્યાસ કરેલો હોવાની જાણકારી મળી છે અને અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતો હોવાથી લોકો સાથે સરળતાથી વાતચીત કરીને વિશ્વાસ જીતતો હતો. પોલીસને ભ્રમમાં મૂકવા તે સતત વેશપલટો કરતો. ક્યારેક પાગડીવાળું સરદારજી રૂપ, તો ક્યારેક મુસ્લિમ કે ક્રિશ્ચિયન વેશ ધારણ કરતો.
ચોરી થયેલા ઇલેક્ટ્રોનિક સામાનને વેચવા માટે ડુપ્લિકેટ બિલ બનાવી OLX જેવી એપ્સ પર વેચાણ કરતો. ઑનલાઇન ખરીદી માટે તે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે પાર્ક જેવી જગ્યાએ ડિલિવરી લેતો જેથી પોતાનું સરનામું બહાર ન આવે.
- દેશભરમાં 38 ગુનાઓની કબૂલાત
પ્રાથમિક પૂછપરછમાં અંકુશે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિત દેશના 10થી વધુ રાજ્યોમાં કુલ 38 ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાની કબૂલાત કરી છે. અગાઉ પણ તેના નામે દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 13 કેસ નોંધાયેલા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન વધુ ગુનાઓનો ભેદ ઉકેલાશે.



Leave a Comment