હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રી સેલ્સિયસનો ફરક જોવા મળી રહ્યો છે. બુધવારે અમરેલીમાં સવારે 7 વાગ્યે 13.2°C જેટલું ઠંડું તાપમાન નોંધાયું હતું, પરંતુ બપોર સુધીમાં પારો 30°Cની આસપાસ પહોંચી ગયો.
રાજકોટમાં સવારે 14.8°Cથી બપોરે તાપમાન 33°C સુધી પહોંચી ગયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ગણાયું. આ જ રીતે ગાંધીનગર, કેશોદ, અમદાવાદ, મહુવા અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ 17થી 18 ડિગ્રીનો તફાવત નોંધાયો હતો.
- સ્વાસ્થ્ય માટે જોખમી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રકારનો તાપમાન ફેરફાર માનવ શરીર માટે હાનિકારક છે. સવારની ઠંડી અને બપોરની ગરમીના કારણે શરીરનું તાપમાન સંતુલન બગડે છે, જેના પરિણામે વાયરલ ઈન્ફેક્શન, શરદી-ઉધરસ, શ્વાસની તકલીફો અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રકારનું હવામાન વધુ જોખમી સાબિત થઈ શકે છે.
- ખેડૂતો માટે ફાયદાકારક
ઉપરાંત, હવામાનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજ 30થી 40 ટકાની આસપાસ છે, જેના કારણે હવા વધુ સુકાઈ રહી છે. પરિણામે ત્વચા સુકાઈ જવી, ચામડીમાં ખંજવાળ અને ચર્મરોગની સમસ્યાઓ પણ વધી રહી છે.
જો કે આ હવામાન ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં થયેલા માવઠા બાદ જે પાક ભીંજાઈ ગયા હતા, તે હવે ઝડપથી સુકાઈ રહ્યા છે. ખાસ કરીને મગફળી અને અન્ય પાક બજારમાં વેચાણ માટે તૈયાર થઈ રહ્યા છે.
- તાપમાન માપવાનો વિશિષ્ટ નિયમ
હવામાન કચેરી મુજબ, તાપમાન માપવાનો એક વિશિષ્ટ નિયમ છે. તાપમાન જમીન પર નહીં પરંતુ જમીનથી આશરે ચાર ફૂટની ઊંચાઈએ માપવામાં આવે છે જેથી વાસ્તવિક હવામાનનો અંદાજ મળી શકે. સવારે 8:30 વાગ્યે ડ્રાય બલ્બ ટેમ્પરેચર માપવામાં આવે છે, જેમાં થર્મોમીટરને સીધા તડકા કે ભેજથી બચાવવામાં આવે છે.
- પ્રકૃતિ માટે ચેતવણીરૂપ
ઘણા લોકો માને છે કે, સૌથી વધુ ઠંડી બ્રહ્મમુહૂર્ત એટલે કે સવારે 4થી 5 વાગ્યાની વચ્ચે હોય છે, પરંતુ હવામાન નિષ્ણાતો જણાવે છે કે સૂર્યોદય થયાના લગભગ અડધા કલાક બાદ દિવસનું સૌથી ન્યુનત્તમ તાપમાન નોંધાય છે. ઉદાહરણ તરીકે, રાજકોટમાં જો સૂર્યોદય 6:57 વાગ્યે થાય તો ઠંડી 7:30 વાગ્યે અનુભવાય છે.
આ રીતે ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જના પ્રભાવથી એક જ દિવસમાં શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જે પ્રકૃતિ માટે ચેતવણીરૂપ અને માનવ આરોગ્ય માટે ચિંતાજનક સંકેત છે.



Leave a Comment