અમરેલી જિલ્લામાં આવેલા મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીવાડી જમીનમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા છે. પરિણામે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને હજુ વધારે લાખો રૂપિયાના નુક્સાનીની શક્યતા છે.
- પાક સંપૂર્ણપણે બગડવાની શક્યતા
સ્થાનિક ખેડૂત વિનોદભાઈ પટેલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમે આખું વર્ષ મહેનત કરીને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક પડેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે આખો પાક બેસી ગયો છે.
મોટા ભાગનું ઉત્પાદન નષ્ટ થવાની શક્યતા છે.” ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, ખેતરોમાં હાલ પાક સંપૂર્ણપણે બગડવાની શક્યતા છે. અનેક ખેડૂતોની મહેનત અને મૂડી બંને પાણીમાં વહી જતાં ગામમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. ખેડૂતો તંત્રને તાત્કાલિક રાહત પહોંચાડવાની અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વિનંતી કરી રહ્યા છે.
- આગામી 2થી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2થી 3 દિવસ દરમિયાન મહુવા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ પરિસ્થિતિ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.
કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર માટે હાલની પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી બની છે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય. પાક બચાવવા અને ખેડૂતોને આર્થિક રાહત આપવાની તાત્કાલિક જરૂર છે.



Leave a Comment