ગાંધીનગરના સેક્ટર-7 વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં માત્ર 12 વર્ષની બાળાએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકમાં છે. આપઘાતનું સાચું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટે સૌને ચોંકાવી દીધા છે.
- શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મૃતક બાળાના પિતા જગદીશ ગોહિલ સરકારી વિભાગમાં આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા ખાનગી નોકરી કરે છે. મંગળવારે સવારે બંને નોકરી પર ગયા હતા અને 16 વર્ષનો મોટો પુત્ર ટ્યુશન ક્લાસ માટે બહાર ગયો હતો. તે સમયે 12 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યે માતા ઘરે પરત આવી,
પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. અનેક વાર ખખડાવ્યા છતાં કોઈ પ્રતિસાદ ન મળતા, તેમણે પોતાના પતિને ફોન કરીને બોલાવ્યા. જગદીશભાઈ ઘરે આવી ભારે પ્રયાસો બાદ દરવાજો ખોલી શક્યા, પરંતુ અંદર જે દ્રશ્ય જોયું તે જોઈ તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. દીકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો હતો.
- હોસ્પિટલ લઈ જતાં બાળકી મૃત જાહેર થઈ
પરિવારજનો તાત્કાલિક બાળકીને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સગીરા ધોરણ 6માં ગુરુકુળ શાળામાં અભ્યાસ કરતી હતી અને પરિવાર સાથે વીર ભગતસિંહ નગર, સેક્ટર-7, ગાંધીનગરમાં રહેતી હતી.
- સુસાઇડ નોટમાં શું લખ્યું હતું?
પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે, “મમ્મી હું જાઉં છું… હું બોર થઈ ગઈ છું. મમ્મી, પપ્પા, દાદી અને ભાઈ બાય. મમ્મી પપ્પા ખુશ રહેજો.” આ પત્ર વાંચીને પરિવારના સભ્યો અને પડોશીઓ બધા જ ગમગીન થઈ ગયા છે.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ, આપઘાત પહેલાં કોઈ ઝઘડો કે તણાવની ઘટના નોંધાઈ નથી. આશ્ચર્યજનક રીતે, આ પરિવાર તાજેતરમાં જ રાજસ્થાન પ્રવાસેથી પરત ફર્યો હતો અને સૌ સામાન્ય રીતે વર્તી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.



Leave a Comment