રાયપુર ગામના રામાપીર વાળા વાસમાં રહેતા બાળકીના પિતાએ ૧૨મી નવેમ્બરની સવારે બાળકી ગુમ થયા બાદ કોઈ અજાણ્યો વ્યક્તિ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી, જેનો અંત આ કરુણ ઘટનામાં આવ્યો.
- ઘરની પાછળની ઓસરીમાંથી શંકાસ્પદ કોથળો મળ્યો હતો
પોલીસ દ્વારા સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હતી. ૧૩ નવેમ્બરની રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે, તેની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. તપાસ કરતાં આ કોથળામાં જ ગુમ થયેલી બાળકીની લાશ પેક કરેલી હાલતમાં હતી.
- જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
નાની બાળકીની હત્યા કરીને લાશને પ્લાસ્ટિક કોથળામાં છુપાવી દેવાની ઘટનાની ગંભીરતાને જોતાં ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ તેમજ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ પહોંચી હતી.
- FSL દ્વારા મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી
બાળકીની લાશ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક લાશનો કબજો મેળવીને હત્યા અને અપહરણના ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી છે. FSLની ટીમે લાશ અને સમગ્ર ઘટનાસ્થળ પરથી મહત્ત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જે હત્યારા સુધી પહોંચવા માટે નિર્ણાયક સાબિત થશે.
- પ્રાથમિક અનુમાન ગળું દબાવીને હત્યા કરાઈ
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. પોલીસે કહ્યું કે, લાશને જોતાં ગળું દબાવી હત્યા થઈ હોવાની શંકા છે. આ સાથે જ, બાળકી સાથે કોઈ અઘટિત કૃત્ય થયું છે કે નહીં, તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે.



Leave a Comment